કોરોના મહામારીના કારણે કેન્યાનું મસાઈ મારા લાંબા સમય સુધી શાંત રહ્યા બાદ હવે આ જંગલમાં લગ્નોની મોસમ ખીલી ઉઠી છે. કોરોના નિયંત્રણો હળવા થતાં જંગલમાં લગ્ન કરવાનો માર્ગ કપલ્સ અને વેડિંગ પ્લાનર્સ માટે મોકળો થયો છે.
હિન્દુ કાઉન્સિલ ઓફ કેન્યાના ભૂતપૂર્વ ચેરમેન નીતિન માલદેવે કહ્યું હતું કે, તેમનાં ઘણાં મિત્રો અને પરિવારજનોએ તાજેતરમાં જ માસાઈ મારામાં લગ્ન માટે રિસોર્ટ બુક કરાવ્યા છે. લગ્નના પ્રસંગો પાંચ દિવસ સુધી ચાલે છે. લગ્નમાં સામેલ થવા મહેમાનો યુએસ, કેનેડા, ન્યૂઝીલેન્ડ, યુકે અને ગુજરાતથી આવે છે.
મસાઈ મારામાં આવેલા એક રિસોર્ટના માલિક નારાયણ હીરાણીએ જણાવ્યું કે આ વિસ્તારમાં આવેલા 60 જેટલા રિસોર્ટમાંથી 20%ના માલિકો ગુજરાતીઓ છે ત્યારે અહીં ભવ્ય લગ્નોને નવી પરિભાષા મળી છે. હીરાણીના રિસોર્ટ દ્વારા પણ જંગલની મધ્યમાં લગ્નનું આયોજન થાય છે.
મૂળ કચ્છના અને ઘણા વર્ષોથી કેન્યામાં સ્થાયી થયેલા હીરાણીએ જણાવ્યું હતું કે “લગ્નસમારંભ માટે પેકેજનો ભાવ 10 લાખ રૂપિયાથી માંડીને 1 કરોડ રૂપિયા સુધીનો છે. મહેમાનોની સંખ્યા, રિસોર્ટમાં રોકાવાના સમય સહિતના વિવિધ પરિબળોના આધારે પેકેજનો ભાવ નક્કી થાય છે. આજકાલ એવા ઘણાં કપલ છે જે શહેરની ભાગદોડથી દૂર જંગલોમાં આવીને લગ્ન કરવા માગે છે.” મસાઈ મારા ઉપરાંત દરિયાકિનારે આવેલું સ્થળ મોમ્બાસા અને લેક નાકુરુ કેન્યામાં આવેલા પસંદગીના વેડિંગ ડેસ્ટિનેશન છે.