2030-31 સુધીમાં ઉત્પાદન ક્ષમતાને બમણી કરીને ચાર મિલિયન યુનિટ કરવાની કરવાના વિઝનના ભાગરૂપે ભારતની સૌથી મોટી કાર કંપની મારુતિ સુઝુકી ઈન્ડિયા (MSIL) તેનો પાંચમો કાર ઉત્પાદન પ્લાન્ટ શરૂ કરવા માટે તૈયાર છે અને ગુજરાત આ પ્લાન્ટનું સંભવિત સ્થાન છે, એમ રાજ્ય સરકારના સૂત્રોને ટાંકીને મીડિયા અહેવાલમાં જણાવાયું હતું.
જો ખરેખર મારુતિ વધુ એક પ્લાન્ટ સ્થાપશે તો ગુજરાતમાં રૂ.20,000 કરોડનું રોકાણ આવશે અને ઓટો ઇન્ડસ્ટ્રીના હબ તરીકે રાજ્યનું સ્થાન મજબૂત થશે.
ચાલુ વર્ષે મારુતિ સુઝુકીએ જ પાંચમો પ્લાન્ટ શરૂ કરવાની યોજના જાહેર કરી હતી, જેથી દર વર્ષે 10 લાખ કારનું ઉત્પાદન થઈ શકે. કંપની ગુજરાતમાં પ્લાન્ટ શરૂ કરવા માટે ગાંધીનગરમાં સતત બેઠકો યોજી રહ્યું છે. સૂચિત પ્રોજેક્ટ માટે ચર્ચા-વિચારણા ચાલી રહી છે. કંપની તરફથી ઈન્વેસ્ટમેન્ટ અંગેના ફાઈનલ પ્રપોઝલની અમે રાહ જોઈ રહ્યા છીએ. કંપનીની ઈચ્છા છે કે, હાંસલપુરમાં આવેલા સુઝુકી મોટર્સ ગુજરાતના પરિસરમાં જે પ્લાન્ટ છે તેની નજીક જ નવો પ્લાન્ટના સ્થાપવામાં આવે. બીજી તરફ ગુજરાત સરકાર કંપનીને નવો પ્લાન્ટ સ્થાપવા માટે સ્થળોના વિકલ્પો પણ આપી રહી છે
નવા પ્લાન્ટ માટે સંભવિત લોકેશન માંડલ-બેચરાજી સ્પેશિયલ ઈન્વેસ્ટમેન્ટ રિજિયન (MBSIR) અને હાંસલપુર હોઈ શકે છે. હાંસલપુરમાં આવેલો સુઝુકી મોટર્સ ગુજરાતનો પ્લાન્ટ અમદાવાદથી 97 કિલોમીટરના અંતરે છે. જેમાં દર વર્ષે 7.5 લાખ કારનું ઉત્પાદન કરવાની ક્ષમતા છે. ઉપરાંત મારુતિ સુઝુકી સુઝુકી મોટર્સ ગુજરાતનો 100 ટકા હિસ્સો હસ્તગત કરવાની છે. હાલ આ ભાગ મારુતિ સુઝુકી ઈન્ડિયા લિમિટેડની જાપાનીઝ પેરેન્ટ કંપની સુઝુકી મોટર કોર્પોરેશન પાસે છે. ગત અઠવાડિયે કંપનીના માઈનોરિટી સ્ટેકહોલ્ડર્સે આ હિસ્સો આપી દેવા માટે લીલી ઝંડી બતાવી હતી.