જાપાનની ઓટો કંપની સુઝુકી મોટર કોર્પોરેશને રવિવારે જણાવ્યું હતું કે કંપની ગુજરાતમાં ઇલેક્ટ્રિકલ વ્હિકલ અને બીઇવી બેટરીના સ્થાનિક ઉત્પાદન માટે 2026 સુધીમાં આશરે રૂ.10,440 કરોડ (આશરે 150 બિલિયન યેન)નું રોકાણ કરશે. કંપનીએ આ માટે ગુજરાત સરકાર સાથે સમજૂતીપત્ર પર હસ્તાક્ષર કર્યા છે.
ભારતની બે દિવસની મુલાકાતે આવેલા જાપાનના વડાપ્રધાન ફુમિયો ફિશિડાએ ભારતમાં આગામી પાંચ વર્ષમાં રૂ.૩.૨ લાખ કરોડના રોકાણોની જાહેરાત કરી હતી. બેચરાજી નજીક હાંસલપુર ખાતે સુઝુકી મોટર્સ મોટરકાર પ્લાન્ટ ધરાવે છે. આ પ્લાન્ટની નજીક જ હવે ૨૦૨૫-૨૬ સુધીમાં ઇલેક્ટ્રિક વ્હીકલ્સ અને તેની બેટરીઝ માટેના પ્લાન્ટ સ્થાપવાનો ઇરાદો સુઝુકી મોટર્સે જાહેર કર્યો છે. આ માટે ૧૫૦ બિલિયન યેન (અંદાજે રૂ.૧૦,૪૪૦ કરોડ)ના રોકાણ માટે જાપાનના વડાપ્રધાન ફિશિદા અને ભારતના વડાપ્રધાન મોદીની ઉપસ્થિતિમાં સુઝુકી મોટર કોર્પોરેશનના ડિરેક્ટર ટોશિહિરો સુઝુકી તથા મારુતી સુઝુકી ઇન્ડિયા લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર અને સીઇઓ કેનિચી અયુકાવા, ગુજરાતના નાણાંપ્રધાન કનુભાઇ દેસાઇની ઉપસ્થિતિમાં શનિવારે સમજુતી કરાર થયા હતા.
ગુજરાતમાં હાંસલપુર ખાતે આવેલા સુઝુકી મોટર્સ ગુજરાત પ્રા. લિમિટેડના એકમ ખાતે ઇલેક્ટ્રિક વ્હીકલ્સના ઉત્પાદનમાં વધારે કરવા માટે રૂ.૩૧૦૦ કરોડનું રોકાણ કરશે અને ૨૦૨૬ સુધીમાં હાલના પ્લાન્ટની નજીક વધારાની જમીનમાં ઇલેક્ટ્રિક વ્હીકલ્સ અને એની બેટરીના ઉત્પાદન માટે પ્લાન્ટ ઊભો કરવા પાછળ રૂ. ૭૩૦૦ કરોડનું રોકાણ કરશે. આ ઉપરાંત અન્ય સહયોગી કંપની મારૂતિ સુઝુકી ટોયોત્સુ ઇન્ડિયા દ્વારા પણ વ્હીકલ રિયાકલિંગનો એક પ્લાન્ટ રૂ.૪.૫ કરોડના રોકાણથી ઊભો કરવામાં આવશે, તેમ સુઝુકી મોટર્સે જાહેર કર્યું છે. અહીં નોંધવુ જરૂરી છે કે, સુઝુકી મોટર્સ, ડેન્સો કોર્પોરેશન અને તોશીબા કોર્પોરેશન, જાપાનના સંયુક્ત સાહસ એવી ઓટોમેટિવ ઇલેટ્રોનિક્સ પાવર કંપની પ્રા.લિમિટેડ દ્વારા ૨૦૧૯માં ગુજરાત સરકાર સાથે એક કરાર કરાયો હતો. એમાં હાંસલપુર નજીક રૂ.૫૦૦૦ કરોડના અંદાજીત રોકાણથી લિથિયમ બેટરીનો પ્લાન્ટ સ્થાપવામાં આવશે.
આ પ્લાન્ટ સુઝુકી મોટર્સના ઇલેક્ટ્રિક વ્હીકલ પ્લાન્ટના આયોજનના ભાગરૂપે સ્થપાવાનો હતો. એ વખતે સુઝુકી મોટર્સ દ્વારા જાહેર કરાયું હતું કે, કંપની ૨૦૨૫ સુધીમાં પોતાની ઇલેક્ટ્રિક વ્હીકલ બજારમાં મુકશે. શનિવારે નવી દિલ્હીમાં યોજાયેલા સમિટમાં બન્ને દેશોએ ક્લિન એનર્જી પાર્ટનરશીપ ઉપર જ ભાર મુક્યો હતો. એમાં ઇલેક્ટ્રિક વ્હીકલ્સ, એમોનિયા, હાઇડ્રોજન, સોલાર એનર્જીનો વિકાસ, ઇલેક્ટ્રિક વ્હીકલ ચાર્જીંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, બેટરીઝ સહિતના સ્ટોરેજ સિસ્ટમને ઊભા કરવા જેવી બાબતોને મહત્વ આપવામાં આવ્યું છે.