ભારતની અગ્રણી ઓટો કંપની મારૂતિ સુઝુકીએ ભારતમાંથી 20 લાખ કારની નિકાસ કરીને નવો રેકોર્ડ બનાવ્યો છે. શુક્રવારે કંપનીએ એસ-પ્રેસો, સ્વિફ્ટ અને વિટારા બ્રેઝા કારનું એક કન્સાઇન્મેન્ટ ગુજરાતના મુંદ્રા પોર્ટથી દક્ષિણ આફ્રિકા માટે રવાના કરીને આ રેકોર્ડ બનાવ્યો હતો. કંપની હાલમાં 100થી વધારે દેશોમાં 14 મોડલ્સના લગભગ 150 વેરિયન્ટની નિકાસ કરે છે.
મારુતિ સુઝુકીએ નાણાંકીય વર્ષ 1986-87માં વાહનોના નિકાસની શરૂઆત કરી હતી. નાણાંકીય વર્ષ 2012-13માં મારુતિ સુઝુકીએ 10 લાખ કારની નિકાસ આંકડો પાર કર્યો હતો. વર્ષ 2021માં કંપની દ્વારા વાહનોની નિકાસનો આંકડો 20 લાખને સ્પર્શી ગયો છે. આમ કંપનીને 10 લાખ વાહનનો નિકાસનો આંકડો સ્પર્શવામાં 25 વર્ષ લાગ્યા હતા, જ્યારે બીજી 10 લાખ કારની નિકાસ કરવામાં આઠ વર્ષ લાગ્યા હતા.
મારુતિએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે કંપની ચિલી, ઇન્ડોનેશિયા, દક્ષિણ આફ્રિકા અને શ્રીલંકાના બજારોમાં મજબૂત સ્થાન બનાવવામાં સફળ રહી છે. આ બજારોમાં અલ્ટો, બલેનો, ડિઝાયર અને સ્વિફ્ટ જેવા મોડલ લોકપ્રિય થયા છે.