વિવિધ વર્ગોમાંથી વિરોધ અને સમર્થન વચ્ચે વડોદરાની 24 વર્ષની એક યુવતીએ આખરે પોતાની જાત સાથે લગ્ન કરીને નવો ચીલો ચાતર્યો છે. પોતાની જાત સાથેના ભારતના કદાચ આવા પ્રથમ લગ્ન છે.
લગ્નની સાડીમાં સજ્જ દુલ્હન, ગળામાં મંગળસૂત્ર અને સેંથામાં સિંદૂર સાથે દેખાયેલી ક્ષમા બિંદુએ જણાવ્યું હતું ક “હું ઘણી જ ખુશ છું, આખરે મારા લગ્ન થઈ ગયા છે.” ક્ષમાના લગ્ન બાકીના લગ્નો કરતા એકદમ અલગ હતા.
ક્ષમાએ 11 જૂને આત્મ-વિવાહ કરવાનો નિર્ણય કર્યો હતો, પરંતુ આ પછી તેણે પોતાનો નિર્ણય બદલ્યો અને 8 જૂને જ આત્મ-વિવાહ કરવાનું નક્કી કરી લીધું હતું. શરુઆતમાં ક્ષમા મંદિરમાં આત્મ-વિવાહ કરવાનું નક્કી કર્યું હતું, જોકે, વિરોધનું વંટોળ ઉભું થતા અને ભારતીય સસ્કૃતિની વિરુદ્ધમાં આ છોકરી પગલું ભરી રહી હોવાનું સામે આવતા તેણે મંદિરમાં લગ્ન-વિધિ કરવાનું ટાળ્યું છે.
ક્ષમા બિંદુએ બુધવારે ગોત્રીમાં આવેલા પોતાના ઘરે જ 40 મિનિટની ડિજિટલ વિધિ સાથે તેના મિત્રોએ જીવનભર સાથ આપવાનો વચન આપીને ફૂલોનો વરસાદ કર્યો હતો. આ લગ્નમાં સૌથી મહત્વના ગણાતા પૂજારી અને વરરાજાની ગેરહાજરી હતી. ક્ષમાએ પોતાના લગ્ન અંગે જણાવ્યું કે, “અન્ય દુલ્હન કરતા મારા લગ્ન એકદમ અલગ હતા, મારે લગ્ન કરીને ઘર છોડવું પડ્યું નથી.” ક્ષમાએ કહ્યું કે, “ઉતાવળે કરેલા આ લગ્નના સમારંભમાં મારા 10 મિત્રોને જ આમંત્રણ આપ્યું હતું.” તેણે એમ પણ કહ્યું કે, “સત્તાવાર રીતે મારા લગ્ન થઈ ગયા છે, અને કદાચ હું ભારતની પહેલી મહિલા છું જેણે આમ કર્યું છે.”
પોતાની જાત સાથે લગ્ન કરનારી નવવધૂએ મહેંદી અને પીઠીની સેરેમની પણ કરી હતી. ક્ષમા કહે છે કે, “હું મંદિરમાં લગ્ન કરવા માગતી હતી, પરંતુ તેમ થઈ શક્યું નહીં, કોઈ સમસ્યા ઉભી ના થાય તે માટે મારે સ્થળ બદલવું પડ્યું,” આ લગ્નમાં ક્ષમાએ પોતાની જાતને સારા જીવન માટે સાત વચનો પણ આપ્યા હતા
આ લગ્નના સમારોહમાં મહેમાનોએ ગીતો પર ઠૂમકા લગાવ્યા અને ગરબા પણ કર્યા હતા. દુલ્હને લગ્ન શરુ થાય તે પહેલા પોતાના લિવિંગ રૂમનો મુખ્ય દરવાજો બંધ કરી દીધો હતો, કે જેથી મોટી સંખ્યામાં મહેમાનો આવી ના જાય.