વડોદરાની એક યુવતીએ એકાદ અઠવાડિયા પહેલા પોતાના લગ્ન અંગે કરેલી અભૂતપૂર્વ વાતથી શહેરના અને ગુજરાતના સામાજિક માહોલમાં, સોશિયલ મીડિયામાં ધમાચકડી મચી ગઈ છે. દેખિતી રીતે જ ગુજરાતમાં આવી કોઈક સામાજિક ક્રાંતિની વાત થાય, પરંપરાઓ સામે પડકાર ઉભો થાય ત્યારે રૂઢિચૂસ્તો મેદાનમાં આવી જ જાય.
આ સંજોગોમાં, ક્ષમા બિંદુ નામની વડોદરાની એ 24 વર્ષની યુવતીના લગ્ન સામે પણ રૂઢીવાદીઓ મેદાને પડતાં હવે તેને મંદિરના બદલે પોતાના ઘરમાં જ લગ્ન વિધિ કરવાની ફરજ પડી છે, તો સમાજના ડરે ક્ષમાને મહામહેનતે જે એક ગોર મહારાજ લગ્ન વિધિ કરાવવા માટે મળ્યા હતા, તેમણે પણ હાથ ઉંચા કરી દીધા છે, તેથી ક્ષમા હવે ટેપ રેકોર્ડર ઉપર લગ્ન વિધિની ઓડિયો સાંભળીને અનોખી દુલ્હન બનવાનું પોતાનું સપનું પુરૂં કરશે.
લગ્નને લઈને છોકરીઓના અલગ-અલગ સપના હોય છે. લગ્ન અંગે યુવતીઓને ઘણી ઈચ્છાઓ પણ હોય છે. ક્ષમા બિંદુ પણ તેના લગ્નની તૈયારીઓમાં વ્યસ્ત છે. તેના લગ્ન 11 જૂને છે. તેણે આ માટે લહેંગાથી લઈને પાર્લર અને જ્વેલરી બધું જ બુક કરાવ્યું છે. પરંતુ ખાસ વાત એ છે કે તેની સાથે લગ્ન કરવા માટે કોઈ વર હશે જ નહીં. તમને સાંભળીને નવાઈ લાગશે કે ક્ષમા વરરાજા વગર જ, સ્વયં પોતાની સાથે લગ્ન કરવાની છે.
વાત એવી છે કે, ક્ષમા લગ્ન કરવા ઈચ્છે છે, દુલ્હન બનવાના તેને અરમાન છે, પણ તેને કોઈ પતિ જોઈતો નથી. તે પોતાની જાત સાથે જ પ્રેમમાં છે અને સ્વયં સાથે જ લગ્ન કરવાની છે. પોતાના અરમાન પુરા કરવા તે લગ્નવિધિનો સમગ્ર માહોલ ઉભી કરવાનું આયોજન કરી ચૂકી છે. ક્ષમા ફેરા ફરવાથી લઈને તમામ રીત રીવાજોને અનુસરશે – તે સિંદૂર પણ લગાવશે. કદાચ તો ગુજરાતમાં જ નહીં સમગ્ર ભારતમાં આવા પ્રથમ સોલો લગ્ન હોઈ શકે છે.
ક્ષમાએ જણાવ્યું હતું કે તે ક્યારેય પરંપરાગત લગ્ન કરવા માંગતી નથી. પરંતુ દુલ્હન બનવાનું તેનું સપનું છે. તેથી તેણે સ્વયં સાથે લગ્ન કરવાનું નક્કી કર્યું. આ પછી તેણે ઓનલાઈન સર્ચ કર્યું કે શું કોઈ દેશની મહિલાએ પોતે જ પોતાની જાત સાથે લગ્ન કર્યા છે. પરંતુ તે આ વિશે કોઈ માહિતી મળી ન હતી. ક્ષમાએ કહ્યું કે તે દેશમાં એકલા લગ્ન કરનારી પ્રથમ છોકરી તરીકે એક ઉદાહરણ સ્થાપિત કરશે. ક્ષમા ખાનગી જોબ કરે છે. સ્વયં સાથે લગ્ન એ પોતાની જાત પ્રત્યેની પ્રતિબદ્ધતા છે, શરત વગરના પ્રેમમાં રહેવું. તે એક પ્રકારની સ્વ-સ્વીકૃતિ છે. દુનિયામાં લોકો જેને પ્રેમ કરે છે તેની સાથે લગ્ન કરે છે. હું મારી જાતને પ્રેમ કરુ છુ તેથી મેં સ્વયં સાથે લગ્ન કરવાનું નક્કી કર્યું.
તેના કહેવા મુજબ તેના માતા-પિતા ખુલ્લા મનના અને વિચારના છે અને તેઓએ મને મારા આ નિર્ણયમાં આગળ વધવા આશીર્વાદ પણ આપ્યા છે.લગ્ન માટે તેણે પાંચ પ્રતિજ્ઞા પણ લખી છે. આટલું જ નહીં, ક્ષમા લગ્ન પછી હનીમૂન ઉપર પણ સ્વયં સાથે ગોવા જશે.સોલોગામી અથવા ઓટોગામી એ વ્યક્તિના પોતાની સાથેના લગ્નનો ઉલ્લેખ કરે છે. સોલોગોમીના સમર્થકો દલીલ કરે છે કે પોતાની જાત સાથે લગ્ન કરવા એ પોતાના મહત્વની પુષ્ટિ કરવા બરાબર છે. તે સુખી જીવન તરફ દોરી જાય છે. અને તેને સ્વ લગ્ન કહેવામાં આવે છે. આ યુવતીના નવતર વિચારો અને લગ્નની વાત છેલ્લા એકાદ સપ્તાહથી મીડિયામાં ચર્ચાસ્પદ બનતા હવે મળતા અહેવાલો મુજબ એક રાજકીય પક્ષની મહિલા અગ્રણીએ આવા બિનપરંપરાગત લગ્ન સામે અવાજ ઉઠાવતા એવી ધમકી આપી હતી કે તે કોઈ મંદિરમાં આવા લગ્ન સામે વિરોધ કરશે, તેથી ક્ષમાએ હવે મંદિરના બદલે પોતાના ઘેર જ લગ્ન કરવાનો નિર્ણય લીધો છે, તો બીજી તરફ જે ગોર મહારાજ વિધિ કરાવવા તૈયાર થયા હતા.
તે પણ આ વિવાદના પગલે ફસકી જતાં ક્ષમાએ લગ્ન વિધિનું રેકોર્ડીંગ વગાડીને ગોર મહારાજની ખોટ પુરી કરવાનો નિર્ણય લીધો છે. ક્ષમાની સામે હજી એક મોટો પડકાર એ પણ છે કે, તેની ઈચ્છા પોતાના લગ્ન રજીસ્ટર કરાવવાની છે.
તેની સામે હવે સરકારી તંત્રનો પ્રતિભાવ કેવા રહે છે તે જોવાનું રસપ્રદ બનશે. સામાન્ય રીતે બે વ્યક્તિ, અને ભારતમાં તો જ પુરૂષ અને સ્ત્રી હોય તો જ લગ્ન રજીસ્ટર થાય છે, ત્યારે સામે ક્ષમાનું કહેવાનું એવું છે કે, ક્યાંય કોઈ કાયદામાં સ્વયં સાથે લગ્ન કરવાનું કૃત્ય ગેરકાયદેસર છે એવું પણ નથી દર્શાવાયું.