કેટલાક છોકરાઓ, છોકરીઓને ફસાવીને પ્રેમલગ્ન કરીને તેમનાં મા-બાપની મિલકતનો ભાગ માગવા લાચાર કરતા હોવાના કિસ્સા બનતા દીકરીઓની મજબૂરીનો લાભ લેભાગુ તત્ત્વો ન લે અને દીકરીઓનું જીવન બગડે નહીં તે માટે ઉત્તર ગુજરાતનો ૮૪ કડવા પાટીદાર સમાજ આગળ આવ્યો છે. ગત સપ્તાહે મળેલી આ સમાજની કારોબારીની બેઠકમાં કોર્ટ-મૅરેજમાં લગ્નની નોંધણી સમયે માતા-પિતાની સહી અનિવાર્ય રાખવા ચર્ચા કરીને માગણી ઉઠાવી છે.
એટલું જ નહીં પરંતુ ૮૪ કડવા પાટીદાર સમાજ તમામ જ્ઞાતિ-જાતિના પ્રમુખોનું સંમેલન બોલાવીને કાયદામાં ફેરફાર કરવા માટે સરકારમાં રજૂઆત કરશે.
તાજેતરમાં મહેસાણાના નુગર ગામે ૮૪ કડવા પાટીદાર સમાજની કારોબારીની બેઠક મળી હતી. આ બેઠકમાં થયેલી ચર્ચા અને આગામી કાર્યક્રમ વિશેની માહિતી આપતા ૮૪ કડવા પાટીદાર સમાજના પ્રમુખ જશુ પટેલે પત્રકારોને કહ્યું હતું કે ‘અમે ચર્ચા કરીને ઠરાવ કર્યો છે કે તમામ જાતિ-જ્ઞાતિની દીકરીઓને માતા-પિતાએ ૨૧ વર્ષની કરી હોય, તેમને પ્રેમથી ઉછેરી હોય અને તે પૈકીની કેટલીક છોકરીઓ માતા-પિતાની સંમતિ વિના કોર્ટ-મૅરેજ કરી લે છે.
આવા મૅરેજમાં મા-બાપની સંમતિ હોવી જરૂરી છે. જો છોકરી માતા-પિતાની સંમતિ વગર ભાગી જાય તો મા-બાપની મિલકતમાં હિસ્સો ન રહે અને આપોઆપ રદ થઈ જાય તે વિશે ચર્ચા થઈ હતી. બધી જ્ઞાતિમાં આવા કિસ્સાઓ બની રહ્યા છે. કેટલાક છોકરાઓ, છોકરીઓને ફસાવી કોર્ટ-મૅરેજ કરી લે છે. પછી છોકરીઓને રહેવા-જમવાની વ્યવસ્થા નથી હોતી. છોકરીને ફસાવીને મા-બાપની મિલકતનો ભાગ લેવા માટે મજબૂર કરતા હોય છે અને દીકરીઓ કેસ પણ કરતી હોય છે.
આવા અનેક કિસ્સા બધી જ્ઞાતિઓમાં બને છે. માતા-પિતા અને તેમનું ફૅમિલી સમાજમાં સામાજિક રીતે મુશ્કેલીનો સામનો કરતાં હોય છે. એટલે આ વિશે અમારા સમાજની બેઠકમાં ચર્ચા થઈ હતી અને એવું કહેવાયું હતું કે બધા સમાજ રિબાઈ રહ્યા છે, પણ કોઈ પહેલ કરતું નથી તો આપણા સમાજે પહેલ કરવી તેવું નક્કી કર્યું છે.’