ફેસબુકના સીઇઓ માર્ક ઝુકરબર્ગની સંપત્તિ દિવસે ને દિવસે વધી રહી છે. એક નવા રિપોર્ટ અનુસાર માર્ક ઝુકરબર્ગ હવે વિશ્વમાં સૌથી ધનિક લોકોમાં ત્રીજા ક્રમે પહોંચી ગયા છે. ઝુકરબર્ગની સંપત્તિ હવે 100 અબજ ડોલરને પાર પહોંચી ગઇ છે. અમેરિકાના શેર બજાર વોલ સ્ટ્રીટમાં આવેલી તેજીને કારણે ફેસબુકના શેરોમાં પણ ઉછાળો આવ્યો છે. જેને પગલે ઝુકરબર્ગની સંપત્તિમાં વધારો થયો છે.
ફેસબુકના શેર ગુરૂવારે 2.4 ટકા વધી ગયા હતા, જેને પગલે એક જ દિવસમાં ઝુકરબર્ગની સંપત્તિમાં 2.3 અબજ ડોલરનો ઉછાળો આવ્યો હતો. તેથી હવે તેની નેટવર્થ વધીને 102 અબજ ડોલર સુધી પહોંચી ગઇ છે. શેર બજારમાં આવેલી આ તેજીને કારણે ઝુકરબર્ગ ફરી અમિરોની યાદીમાં આગળ આવી ગયા છે. તેઓ હવે દુનિયાના ટોપ 10 અમિરોની યાદીમાં ત્રીજા ક્રમે પહોંચી ગયા છે.
તેમનાથી આગળ હવે માત્ર એમેઝોનના સીઇઓ જેફ બેજોસ અને બિલ ગેટ્સ છે. બેજોસની સંપત્તિ 194 અબજ ડોલર છે અને તેઓ પ્રથમ ક્રમે છે. જ્યારે માઇક્રોસોફ્ટના સૃથાપક બિલ ગેટ્સની સંપત્તિ 122 અબજ ડોલર છે અને તેઓ બીજા ક્રમે છે.જોકે એવુ નથી કે ઝુકરબર્ગની સંપત્તિ પહેલી વખત 100 અબજ ડોલરને પાર ગઇ છે.
આ પહેલા સાતમી ઓગસ્ટના રોજ જ્યારે ફેસબુકના શેર રેકોર્ડ હાઇ પર પહોંચ્યા હતા ત્યારે તેની સંપત્તિ 100 અબજ ડોલરને પાર પહોંચી ગઇ હતી. આ પહેલા માર્ક ઝુકરબર્ગ ચોથા સૃથાને હતા, જોકે હવે જ્યારે તેઓ ત્રીજા સૃથાને આવી ગયા છે ત્યારે ચોથા સૃથાન પર સ્પેસએક્સના સીઇઓ એલન મસ્ક છે.
જોકે એલનની સંપત્તિ પણ કેટલાક સમયથી વધી રહી છે અને તેઓ 100 અબજ ડોલરને પાર પહોંચી શકે છે. બ્લૂમબર્ગ બિલિયોનરિઝ ઇંડેક્સ અનુસાર મસ્કની નેટવર્થ આશરે 95 અબજ ડોલર છે જે ઝુકરબર્ગથી થોડી જ ઓછી છે. મસ્કની સંપત્તિ આ વર્ષે જ 67.6 અબજ ડોલર પર પહોંચી ગઇ હતી જેનું કારણ કોરોના મહામારી માનવામાં આવે છે.