આશરે ત્રણ મહિનાની ઘેરાબંધી પછી રશિયાએ યુક્રેનના મારિયુપોલ પર કબજો કર્યો હોવાનો દાવો કર્યો છે. યુક્રેન સામેના યુદ્ધમાં રશિયાનો આ અત્યાર સુધીનો આ સોથી મોટો વિજય માનવામાં આવે છે. રશિયાના લશ્કરી દળોએ આશરે ત્રણ મહિનાથી આ વ્યૂહાત્મક પોર્ટ સિટીની ઘેરાબંધી કરી કરી હતી અને સતત હુમલા કર્યા હતા. આ હુમલામાં આશરે 20,000 નાગરિકોના મોત થયા હોવાની આશંકા છે.
રશિયાના સંરક્ષણ પ્રધાન સર્ગી શોઇગુએ પ્રેસિડન્ટ વ્લાદિમિર પુતિનને માહિતી આપી હતી કે મારિયુપોલમાં યુક્રેનના લશ્કરી દળોના પ્રતિકારનો છેલ્લો કિલ્લો ગણાતા અઝોવસ્ટાલ સ્ટીલ પ્લાન્ટને ‘સંપૂર્ણ આઝાદ’ કરાયો છે. જોકે આ દાવા અંગે યુક્રેનની પ્રતિક્રિયા જાણી શકાઈ નથી.
આ સ્ટીલ પ્લાન્ટમાં રહેલા યુક્રેનના કુલ 2,439 સૈનિકોએ શરણાગતિ સ્વીકારી છે. શુક્રવારે 500 સૈનિકોએ આત્મસમર્પણ કર્યું હતું.રશિયાએ આ સૈનિકોને કેદીને બનાવ્યા છે. કેટલાંકને હોસ્પિટલમાં પણ દાખલ કર્યા છે. રશિયા આ પ્લાન્ટને નાઝીવાદનું પ્રતિક માનતું હતું. રશિયાના સત્તાવાળાએ સ્ટીલ પ્લાન્ટમાં રહેલાના કેટલાંક સૈનિકો સામે યુદ્ધ કેદી બનાવવાની પણ ધમકી આપી હતી. આશરે 11 ચોરસ કિલોમીટરમાં પથરાયેલા આ સ્ટીલમાં છેલ્લાં કેટલાંક સપ્તાહથી ખુંખાર જંગ ખેલાયો હતો. મારિયુપોલ પર સંપૂર્ણ અંકુશ પુતિન માટે મહત્ત્વનો ગણાય છે, કારણ કે 24 ફેબ્રુઆરીથી છેડેલા યુદ્ધમાં રશિયાને કોઇ મોટી સફળતા મળી ન હતી