કોરોના વાયરસ વચ્ચે જમીન પર લોકડાઉન હોવાથી તમિલનાડુના મદુરાઈના એક કપલે સ્પાઇસજેટની ચાર્ટર્ડ ફ્લાઇટમાં હવામાં લગ્ન કર્યા હતા અને હવે આ મુદ્દે ડાયરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિયેશન (ડીજીસીએ) તપાસ હાથ ધરી છે.
હકિકતમાં આ કપલે પોતાના લગ્નના વેન્યુ તરીકે એક ચાર્ટર્ડ પ્લેનની પસંદગી કરી હતી અને મદુરાઈથી બેંગલુરૂ સુધી એક આખી ચાર્ટર્ડ ફ્લાઈટ બૂક કરાવી હતી. 23મેના રોજ લગ્નનો સમગ્ર કાર્યક્રમ ફ્લાઈટમાં થયો હતો અને ફ્લાઈટમાં સંબંધીઓ અને મહેમાનોથી ભરેલી હતી. આ ઘટનાનો વિડીયો અને તસ્વીરો સામે આવી છે જેમાં વરરાજા કન્યાને મંગળસૂત્ર પહેરાવતા જોવા મળે છે અને કપલ ફોટો પડાવી રહ્યું છે. તસ્વીરમાં પાછળ મહેમાનો જોવા મળે છે. મોટા ભાગના લોકોએ માસ્ક પહેર્યું ન હતું અને કોવિડ-19 પ્રોટોકોલનું પાલન પણ કર્યું ન હતું.
ડીજીસીએએ જણાવ્યું હતું કે અમે આ ઘટનાની તપાસ શરૂ કરી દીધી છે. એરલાઈન અને એરપોર્ટ ઓથોરિટી પાસે રિપોર્ટ માંગ્યો છે. જ્યારે સ્પાઈસ જેટની તે ફ્લાઈટ પર હાજર ક્રુને હાલમાં ફરજ પરથી હટાવી દેવામાં આવ્યા છે. સ્પાઈસ જેટે પણ નિવેદન જારી કરીને જણાવ્યું હતું કે 23 મે 2021ના રોજ મદુરાઈના એક ટ્રાવેલ એજન્ટે ફ્લાઈટ બૂક કરાવી હતી. તેને લગ્ન બાદ એક જાય રાઈડ તરીકે બૂક કરાવવામાં આવી હતી. એરલાઈનનું કહેવું છે કે એજન્ટ અને ગેસ્ટ પેસેન્જર્સને કોવિડ ગાઈડલાઈન્સની જાણકારી આપવામાં આવી હતી અને તેમને ફ્લાઈટમાં કોઈ એક્ટિવિટી ન કરવાનું કહેવામાં આવ્યું હતું.