શિવસેનાના ધારાસભ્યોના બળવાને પગલે મહારાષ્ટ્રમાં બુધવારે (22 જૂન) સતત બીજા દિવસે નાટકીય ઘટનાક્રમ જોવા મળ્યો હતો. એક તરફ રાજ્યના મુખ્યપ્રધાન અને શિવસેનાના સુપ્રીમો ઉદ્ધવ ઠાકરેએ ઇમોશનલ કાર્ડ ખેલીને રાજીનામું આપવાની ઓફર કરી હતી. જોકે મુખ્યપ્રધાનની આ ઓફર બાદ બળવાખોર નેતા એકનાથ શિંદેએ જણાવ્યું હતું કે ઉદ્ધવ ઠાકરેએ કોંગ્રેસ અને એનસીપીનો ટેકો ધરાવતી ગઠબંધન સરકારમાંથી નીકળી જવું જોઇએ, કારણ કે તે અકુદરતી જોડાણ છે.આ સ્થિતિમાં લાગે છે કે મહારાષ્ટ્રમાં હવે ફરી ભાજપની સરકાર બની શકે છે.
બીજી તરફ શિવસેનાના પ્રવક્તા સંજય રાઉતે વિરોધાભાષી નિવેદનો આપવાનું ચાલુ રાખ્યું હતું. તેમણે શરૂઆતમાં વિધાનસભા ભંગનો સંકેત આપ્યો હતો, પરંતુ પછીથી જણાવ્યું હતું કે ઉદ્ધવ ઠાકરે મુખ્યપ્રધાન પદેથી રાજીનામું આપશે નહીં. ઉદ્ધવ ઠાકરે રાત્રે મુખ્યપ્રધાનના સત્તાવાર નિવાસસ્થાને ‘વર્ષા’થી બોરિયા બિસ્તર બાંધી દીધા હતા અને શિવસેનાના હેડક્વાર્ટર ગણાતા માતોશ્રી જતા રહ્યાં હતા.
શિવસેનાના ધારાસભ્યોના બળવાને કારણે જોખમમાં મુકાયેલી મહારાષ્ટ્રની ઉદ્ધવ ઠાકરે સરકાર સામેની કટોકટી વધુ ઘેરી બની હતી. ઉદ્ધવ ઠાકરેએ મુખ્યપ્રધાન પદેથી રાજીનામાની ઓફર કરી હતી અને જણાવ્યું હતું કે જો કોઇ શિવસૈનિક મુખ્યપ્રધાન બને તો તેમને ખુશી થશે. જોકે બળવાખોર ધારાસભ્યોના નેતા એકનાથ શિંદેએ સ્પષ્ટ કર્યું હતું કે ઉદ્ધવ ઠાકરેએ પહેલા કોંગ્રેસ અને એનસીપીનું સમર્થન ધરાવતી મહાવિકાસ અઘાડી સરકારમાંથી બહાર નીકળી જવું જોઇએ. શિંદેએ પોતાની સાથે 34 ધારાસભ્યોનું સમર્થન હોવાનો પણ દાવો કર્યો હતો.જો ઉદ્ધવ ઠાકરે હવે બળવાખોર નેતાની માગણીનો સ્વીકાર નહીં કરે તો મુખ્યપ્રધાન પદની સાથે સાથે પોતાની પાર્ટી પણ ગુમાવવી પડે તેવી શક્યતા છે.કેબિનેટ પ્રધાન અને થાણેના કદાવર નેતા શિંદની આગેવાની હેઠળ ધારાસભ્યોના બળવા બાદ પોતાનું મૌન તોડતા ઠાકરેએ જણાવ્યું હતું કે જો બળવાખોર નેતા અને તેમના સમર્થન ધારાસભ્યો ઇચ્છતા હોય તો તેઓ મુખ્યપ્રધાન પદથી રાજીનામું આપવા તૈયાર છે.
ઉદ્ધવ ઠાકરેની મુશ્કેલીઓમાં વધારો થતો હોય તેમ તેઓ કોરોના પોઝિટિવ આવ્યા હતા. 18 મિનિટના લાઇવ વેબકાસ્ટમાં તેમણે બળવાખોર ધારાસભ્યો અને સામાન્ય શિવસૈનિકોના લાગણીસભર અપીલ કરી હતી અને પોતે બિનઅનુભવી હોવાનું સ્વીકાર્યું હતું. તેમણે સ્પષ્ટતા કરી હતી કે ગયા વર્ષે સ્પાઇન સર્જરીને કારણે તેઓ લોકોને મળી શક્યા નથી.તેમણે જણાવ્યું હતું કે જો શિવસૈનિકોને લાગતું હોય કે તેઓ પાર્ટીનું વડપણ કરવાની ક્ષમતા ધરાવતા નથી તો તેઓ પાર્ટીના અધ્યક્ષ પદેથી રાજીનામું આપવા તૈયાર છે.
ઠાકરેએ જણાવ્યું હતું કે સુરત અને બીજા સ્થળોથી નિવેદનો શા માટે કરો છો. આવો અને મને કહો કે હું મુખ્યપ્રધાન અને શિવસેનાના વડાના હોદ્દાનું સંચાલન કરવા સક્ષમ નથી. હું તાકીદે રાજીનામું આપી દઈશ. હું મારા રાજીનામાનો પત્ર તૈયાર રાખીશ અને તેમ તેને લઈને રાજભવન પહોંચાડી શકો છો.
2019માં સરકારની રચના વખતેના ઘટનાક્રમને યાદ કરતાં ઠાકરેએ જણાવ્યું હતું કે એનસીપી નેતા શરદ પવારે સૂચન કર્યા બાદ તેઓ રાજકીય રીતે બિનઅનુભવી હોવા છતાં મુખ્યપ્રધાન બનવા તૈયાર થયા હતા.હાલની રાજ્યની રાજકીય ગતિવિધિથી તેમને આંચકો લાગ્યો છે.
વિધાનસભા ભંગનો સંજય રાઉતનો સંકેત
શિવસેનાના સાંસદ સંજય રાઉતે જણાવ્યું હતું કે મહારાષ્ટ્રની હાલની રાજકીય ગતિવિધિ વિધાનસભાના ભંગ તરફ દોરી જાય તેવી શક્યતા છે. જોકે પછીથી તેમણે જણાવ્યું હતું કે કોઇપણ રાજ્યમાં આવી સ્થિતિ ઊભી થાય ત્યારે સામાન્ય રીતે વિધાનસભાનું વિસર્જન થતું હોય છે. મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરે રાજીનામું આપશે કે નહીં તેવા પ્રશ્નનો જવાબ આપવાનું તેમણે ટાળ્યું હતું.
ઉદ્ધવ ઠાકરે સાથે શરદ પવારની બેઠક
મહારાષ્ટ્રના રાજકીય કટોકટી વચ્ચે એનસીપીના સુપ્રીમ શરદ પવાર બુધવારની સાંજે રાજ્યના સીએમ ઉદ્ધવ ઠાકરે સાથે વાતચીત કરી હતી. પવારની સાથે તેમના પુત્રી અને એનસીપીના સાંસદ સુપ્રિયા સુલે અને પાર્ટીના પ્રધાન જિતેન્દ્ર અવહાડ પણ હતા. એનસીપીના નેતાઓએ મુંબઈના સીએમના સત્તાવાર નિવાસસ્થાન વર્ષા ખાતે આ ચર્ચાવિચારણા કરી હતી. જોકે બેઠકમાં શું ચર્ચા થઈ તેની કોઇ સત્તાવાર જાહેરાત થઈ નથી. જોકે સૂત્રોએ જણાવ્યું હતું કે પવાર ભાવિ પગલાંની સીએમ સાથે ચર્ચા કરી હતી
પવાર અને કોંગ્રેસ નેતા કમલનાથ વચ્ચે મંત્રણા
મહારાષ્ટ્રની રાજકીય કટોકટી વચ્ચે કોંગ્રેસના વરિષ્ઠ નેતા કમલનાથ બુધવારે મુંબઈમાં એનસીપીના સુપ્રીમો શરદ પવારને મળ્યા હતા. કોંગ્રેસે કમલનાથને પક્ષના નિરિક્ષક તરીકે મહારાષ્ટ્ર મોકલ્યા છે. પવારે ટ્વીટ કરીને જણાવ્યું હતું કે આ બેઠકમાં રાષ્ટ્રપતિની ચૂંટણી અને બીજા મુદ્દાની ચર્ચાવિચારણા થઈ હતી. જોકે રાજકીય વર્તુળોમાં એવી ચર્ચા હતી કે પવારે ઠાકરેને સલાહ આપી હતી કે તેમણે બળવાખોર નેતાઓ સાથે વાતચીત કરવી જોઇએ. આ અગાઉ પવાર એનસીપીના પ્રદેશ પ્રમુખ જયંત પાટીલ અને રાજ્યના ગૃહપ્રધાન દિલીપ વાલસે પાટીલને મળ્યા હતા. કમલનાથે કોંગ્રેસના 44 ધારાસભ્યો સાથે પણ બેઠક યોજી હતી.
બળવાખોરો સામે શિવસૈનિકોના દેખાવો
શિવસૈનિકોએ ઓરંગાબાદમાં બળવાખોર નેતા એકનાથ શિંદે સામે દેખાવો કર્યા હતા અને બળવાખોર ધારાસભ્યો સામે પગલાં લેવાની માગણી કરી હતી. ઓરંગાબાદ જિલ્લાના આશરે પાંચ ધારાસભ્યો બળવાખોર નેતા એકનાથ શિંદના સમર્થનમાં છે. શિવસેનાના પ્રવક્તા અંબાદાસ દાનવેએ જણાવ્યું હતું કે લોકોને સેના અધ્યશ્ર ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વમાં પૂરો વિશ્વાસ છે. અમે ઉદ્ધવ ઠાકરેની સાથે છીએ. જોકે બીજી કોઇ જગ્યાએ શિવસૈનિકોના વિરોધ પ્રદર્શન જોવા મળ્યા ન હતા. સામાન્ય રીતે બળવાખોર નેતા સામે શિવસૈનિકો ઉગ્ર દેખાવો કરતાં હોય છે પરંતુ આ વખતે અલગ સ્થિતિ લાગે છે.
કોંગ્રેસના ધારાસભ્યોનું વેચાણ નહીં થાયઃ કમલનાથ
મહારાષ્ટ્ર માટે કોંગ્રેસના રાજકીય નિરીક્ષક કમલનાથે જણાવ્યું હતું કે તેમના પાર્ટીમાં એકતા છે અને ધારાસભ્યોનું વેચાણ થશે નહીં. રાજ્યમાં રાજકીય કટોકટીને પગલે કોંગ્રેસે કમલનાથની એઆઇસીસીના નિરીક્ષર તરીકે નિમણુંક કરી હતી. રાજ્યના શિવસેનાના આગેવાની હેઠળની સરકારને કોંગ્રેસ સમર્થન આપી રહી છે. મુંબઈમાં પત્રકારો સાથે વાતચીત કરતાં કમલનાથે જણાવ્યું હતું કે પોતાની ટીમની સંભાળ રાખવાનું કામ શિવસેનાનું છે. કોંગ્રેસના નેતાઓ એકજૂથ છે. મને ખાતરે છે કે અમે અકબંધ છીએ. તેમણે કોંગ્રેસના ધારાસભ્યો સાથે બેઠક પણ યોજી હતી. આ બેઠકમાં કોંગ્રેસના કુલ 44માંથી 42 ધારાસભ્યો હાજર રહ્યાં હતા.
શિંદેએ 34 ધારાસભ્યોના હસ્તાક્ષર સાથે રાજ્યપાલને પત્ર લખ્યો
શિવસેનાના બળવાખોર નેતા એકનાથ શિંદે દાવો કર્યો હતો કે પક્ષના કુલ 57 ધારાસભ્યોમાંથી તેમને 30 ધારાસભ્યોનો ટેકો છે. આ ઉપરાંત બીજા ચાર અપક્ષ ધારાસભ્યો પણ તેમને સમર્થન આપી રહ્યાં છે. વધુ સારા ધારાસભ્યો પણ ગૌહાટીમાં આવી ગયા છે. મહારાષ્ટ્રના ગવર્નરને 34 ધારાસભ્યોના હસ્તાક્ષર સાથે મોકલવામાં આવેલા પત્રમાં શિંદેને તેમને નેતા જાહેર કરવામાં આવ્યા છે. શિંદેએ જણાવ્યું હતું કે મુખ્યપ્રધાન ઠાકરેએ સાંજે તમામ ધારાસભ્યોની બોલાવેલી ઇમર્જન્સી બેઠક ગેરકાયદેસર છે. આ સ્થિતિમાં લાગે છે કે મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરે મુખ્યપ્રધાનનો હોદ્દો જ નહીં, પરંતુ પોતાની પાર્ટી પણ ગુમાવે તેવી શક્યતા છે. મૂળ શિવસેના હોવાનો દાવો કરવા માટે શિંદે પાસે 37 ધારાસભ્યોનું સમર્થન આવશ્યક છે. આ આંકડા સાથે તેઓ સેનાના સત્તાવાર ભાગલા પાડી શકે છે.
શિવસેનાએ ગઠબંધન સરકારમાંથી નીકળી જવું પડશેઃ શિંદે
ઉદ્ધવ ઠાકરેએ રાજીનામાની ઓફર કર્યા બાદ બળવાખોર નેતા એકનાથ શિંદેએ જણાવ્યું હતું કે મહારાષ્ટ્રની સત્તાધારી મહાવિકાસ અઘાડી સરકાર અકુદરતી જોડાણ છે અને શિવસેનાએ આ ગઠબંધનમાંથી નીકળી જવું જોઇએ. શિંદેએ જણાવ્યું હતું કે નવેમ્બર 2019માં રચાયેલી આ ગઠબંધન સરકારથી માત્ર કોંગ્રેસ અને એનસીપીને લાભ થયો છે, જ્યારે સામાન્ય શિવસૈનિકે છેલ્લા દોઢ વર્ષમાં વેઠવાનું આવ્યું છે. તેથી શિવસૈનિકો અને શિવસેના માટે આ અકુદરતી જોડાણમાંથી નીકળી જવું જરૂરી છે.