યુનાઈટેડ નેશનના એક રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે પાકિસ્તાનમાં ત્રાસવાદી અને ત્રાસવાદીજૂથો સતત વધી રહ્યા છે. ભારતમાં ઘણા ત્રાસવાદી સંગઠનોની કમાન પાકિસ્તાનીઓના હાથમાં જ છે. જેમાં ઈસ્લામિક સ્ટેટ અને અલકાયદા જેવા ત્રાસવાદી સંગઠન સામેલ છે. જેમાંથી ઘણા ત્રાસવાદીહાલ પણ યુનાઈટેડ નેશન દ્વારા બ્લેકલિસ્ટેડ કરાયા નથી.
યુનાઈટેડ નેશનની એનોલિટિકલ સપોર્ટ એન્ડ સેક્શન્સ મોનિટરિંગ ટીમના રિપોર્ટમાં સામે આવ્યું છે કે એપ્રિલ અને મે મહિનામાં અફઘાનિસ્તાનના સુરક્ષાદળોએ ISIL-K(ઈસ્લામિક સ્ટેટ ઈન ઈરાક એન્ડ લીવેન્ટ-ખુરાસાન)ના આકા અસલમ ફારુખીની ધરપકડ કરી હતી. તે અબ્દુલ્લાહ ઓરકજઈના નામે પણ ઓળખાય છે.
કાબુલના ગુરુદ્વારામાં થયેલા હુમલાનો માસ્ટરમાઈન્ડ ઓરકઝઈ જ હતો. આ હુમલામાં 25 શીખોના મોત થયા હતા. તે પાકિસ્તાનના ખૈબર પખ્તૂનખ્વાનો રહેવાસી છે. ફારુખી સાથે ISIL-Kના પૂર્વ આકા જિલાઉલ-હકની પણ ધરપકડ કરાઈ હતી. એ પણ પાકિસ્તાની નાગરિક છે. અબ્દુલ્લા ઓરકજઈ અને જિયાઉલ-હકને યુનાઈટેડ નેશન સિક્યોરિટી કાઉન્સિલની સેક્શન કમિટિ તરફથી હાલ પણ બ્લેકલિસ્ટ કરાયો નથી.
ભારતીય ઉપખંડમાં ત્રાસવાદી સંગઠન અલકાયદા અફઘાનિસ્તાનના નિમ્રુજ, હેલમંડ અને કાંધાર વિસ્તારમાંથી ઓપરેટ થાય છે. હાલ આ સંગઠન તાલિબાન હેઠળ કામ કરે છે. તેમના હાલના આકા પાકિસ્તાની ઓસામા મહમૂદ છે. ગ્લોબલ ટેરેરિસ્ટના લિસ્ટમાં તેનું પણ નામ નથી. રિપોર્ટના જણાવ્યા પ્રમાણે, આ ગ્રુપમાં બાંગ્લાદેશ, ભારત, મ્યાંમાર અને પાકિસ્તાનના 150થી 200 ત્રાસવાદી છે. ઓસામાને આસિમ ઉમરના મોત પછી આકા બનાવાયો હતો.
સેક્શન મોનિટરિંગ ટીમે તેમના રિપોર્ટમાં કહ્યું કે, અફઘાનિસ્તાનમાં ત્રાસવાદી સંગઠન તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન(TTP) હાજર છે. તેનો હેડ પાકિસ્તાનનો આમિર નૂર વલી મસૂદ છે. મસૂદને આ મહિને વૈશ્વિક ત્રાસવાદી જાહેર કરાયો છે. તે બે વર્ષથી TTPનો આકા છે. જો કે, મસૂદના ડેપ્યુટી કારી અમજદ અને TTPના પ્રવક્તા મોહમ્મદ ખોરસાને હાલ યુનાઈટેડ નેશનSCની સેક્શન કમિટિ તરફ બ્લેકલિસ્ટ કરાયા નથી.