ગુજરાતની બે દિવસની મુલાકાતે આવેલી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવાર, 27 ઓગસ્ટે અમદાવાદ એરપોર્ટ ખાતે જ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં રાજ્ય વહીવટી તંત્રના વરિષ્ઠ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી. આ પછી વડાપ્રધાને ભૂપેન્દ્ર પટેલ સાથે એકાંતમાં આશરે એક કલાક સુધી ગુફ્તેગૂ કરતા રાજકીય અટકળો વહેતી થઇ હતી. ગુજરાતમાં આ વર્ષના અંત ભાગમાં વિધાનસભાની ચૂંટણી હોવાથી આ બેઠકનું વિશેષ મહત્ત્વ છે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે હવે આચારસંહિતા લાગુ થાય એ પહેલાં સાબરમતી આશ્રમ નવીનીકરણ અને મેટ્રો રેલની વાસણાથી સાબરમતી સુધીની કડીના બાકીના કામો સહિતના મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ્સને ઝડપથી પૂર્ણ કરી લોકાર્પણ કરી શકાય એ હેતુથી વડાપ્રધાન મોદીએ આ બેઠક યોજી હોવાનું માનવામાં આવે છે.
૨૭ અને ૨૮ ઓગસ્ટ એમ બે દિવસના ગુજરાત પ્રવાસ માટે વડાપ્રધાન મોદી શનિવારે બપોરે ૨.૩૦ વાગ્યા પછી અમદાવાદ એરપોર્ટ ખાતે આવી પહોંચ્યા ત્યારે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલ, પ્રોટોકોલ રાજ્યપ્રધાન જગદીશ વિશ્વકર્મા (પંચાલ), ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવી, મુખ્યસચિવ પંકજ કુમાર, મુખ્યપ્રધાનના મુખ્ય અગ્રસચિવ કે કૈલાસનાથન, રાજ્ય પોલીસ વડા આશિષ ભાટીયા, મેયર કિરિટ પરમાર સહિતના આગેવાનો, પદાધિકારીઓ ઉપસ્થિત રહી સ્વાગત કર્યું હતું. વડાપ્રધાને ગુજસીલ ખાતે બેઠક કરી હતી.
તાજેતરના સપ્તાહમાં જ મુખ્યપ્રધાને મહેસૂલ અને માર્ગ મકાન વિભાગ સિનિયર પ્રધાનો પાસેથી ખાતા આંચકી લઇ રાજ્યકક્ષાના પ્રધાનોને સોંપી દીધા પછી વડાપ્રધાનની સમીક્ષા બેઠક યોજતાં અનેક વમળો સર્જાયા હતા. પરંતુ વડાપ્રધાને પ્રમુખ પાટીલ, જગદીશ વિશ્વકર્મા કે હર્ષ સંઘવી સાથે અલગથી બેઠક ન યોજતા હાલ પૂરતી રાજકીય અટકળો પર પૂર્ણ વિરામ મૂકાયું છે.