અમેરિકાના રોકીઝ, ગ્રેટ પ્લેન્સ અને મિડવેસ્ટ વિસ્તારોમાં ગયા સપ્તાહથી શરૂ થયેલી કાતિલ ઠંડી મંગળવાર સુધી ચાલુ રહી હતી અને મધ્ય અમેરિકાના કેટલાય ભાગોમાં તાપમાન માઈનસ 30 ડીગ્રી નોંધાયું હતું.

આર્કટિક બ્લાસ્ટના કારણે કાતિલ ઠંડા પવનો ફૂંકાવાથી મુખ્યત્વે ઓરેગોન સહિત અન્ય રાજ્યોમાં મળી સોમવારે મોડેથી 1 લાખ 10 હજારથી વધુ ઘર અને બિઝનેસીઝમાં વીજળી પુરવઠો ઠપ્પ થઈ ગયો હતો. પોર્ટલેન્ડ જનરલ ઈલેકટ્રિક કંપનીએ મંગળવારે એવી ચેતવણી પણ આપી હતી કે, હાડ થીજાવી દેતી ઠંડી અને વરસાદના કારણે વીજળી પુરવઠો ફરી શરૂ કરવાનં કાર્ય વિલંબમાં પડી શકે છે. ટ્રાન્સપોર્ટ વિભાગના અધિકારીઓએ લોકોને સ્પષ્ટ ચેતવણી આપી હતી કે વાહન લઈને બહાર નિકળશો તો બહાર જ ફસાઈ જવાનું જોખમ છે, જેથી બહાર નિકળવું નહીં.

મંગળવારે પોર્ટલેન્ડ, શિકાગો, ડેન્વર, ડલ્લાસ અને ફોર્ટ વર્થમાં શાળાઓ બંધ રખાઈ હતી. પોર્ટલેન્ડ વિસ્તારમાં ચાર લોકોના તથા વિસ્કોન્સિનના મિલવાઉકી વિસ્તારમાં ઘરવિહોણા ત્રણ લોકોના ઠંડીના કારણે મોત નિપજયા હતા.

તો સોમવારે એક જ દિવસમાં અમેરિકામાં આતરિક તેમજ વિદેશ અવર જવર માટેની 2900 જેટલી ફલાઈટ્સ રદ કરાઈ હતી.

LEAVE A REPLY