કોરોનાવાયરસના કારણે દેશની હાલત ખરાબ છે અને જીપી સર્જરી તથા એક્સીડેન્ટ અને ઇમરજન્સી વિભાગ દ્વારા સામાન્ય દર્દીઓ માટે કોઇ વ્યવસ્થા નથી ત્યારે સામાન્ય બીમારીથી પીડાતા લોકોને તેમની તકલીફ અને બીમારીમાંથી બહાર કાઢવાની જવાબદારી ફાર્મસી પર આવી ગઇ છે. પરંતુ તેને પગલે ફાર્મસી પર લોકોએ ધસારો કરતા ફાર્મસીના સ્ટાફને પણ કોરોનાવાયરસથી બચાવવાની જરૂર થઇ પડી છે.
આ સ્ટાફને કઇ રીતે ચેપ લાગતો બચાવી શકાય? બધે લોકડાઉન છે ત્યારે રાતોરાત શું કરવુ? આવા અનેક પ્રશ્નોનો ઉકેલ કિંગ્સ કિચનના મનુભાઇ રામજી લઇને આવ્યા છે. મનુભાઇ અત્યાર સુધીમાં લુટન અને હર્ટફોર્ડશાયર વિસ્તારની 6-7 ફાર્મસી અને ક્મિસ્ટ શોપમાં કોઇજ જાતના ચાર્જ વગર પોતાના સ્ટાફની મદદથી ટ્રાન્સપરન્ટ પોલી કાર્બોનેટ પ્રોટેક્ટટીવ શીટ લગાવવામાં મદદરૂપ બન્યા છે.
આ અંગે મનુભાઇને પૂછતા તેમણે જણાવ્યુ હતુ કે ‘’અત્યારે અમારો આખો બિઝનેસ બંધ છે ત્યારે સમયના સદઉપયોગ તરીકે અમે નિસ્વાર્થભાવે એક મિત્રની ફાર્મસીમાં પ્રોટેક્ટીવ શિટ લગાવી આપ્યુ હતુ. તે પછી તો ઘણાં લોકોએ અમારી પાસે મદદ માંગી હતી. અમારા સ્ટાફના સદ્સ્યો પણ ફાર્મસીસ્ટ્સ અને તેમના સ્ટાફના લોકોની સેવાપરાયણતાથી પ્રેરાઇને તેમને મદદ કરવા તૈયાર થઇ ગયા હતા. અમારો કિચન અને ફર્નીચરનો વેપાર હોવાથી અમારી પાસે તેનો સામાન તો પડેલો જ હતો. મેં સંપર્કનો ઉપયોગ કરીને પ્રોટેક્ટીવ શીટ પણ મેળવી લીધી હતી. જેમના તરફથી વિનંતી આવી હતી તે સૌને પ્રોટેક્ટીવ શિટ લગાવી આપી છે અને આ સમાચાર વાયુવેગે પ્રસરતા વધુ કેટલાક લોકો મદદ માંગી રહ્યા છે. આજ રીતે વિલ્સડનમાં ફરસાણ વિક્રેતાને પણ અમે મદદ કરવામાં સહભાગી થયા હતા. હજૂ વધુને વધુ લોકો અમારી મદદ આ માટે માંગી રહ્યા છે. સેવાનો મોકો અમને મળ્યો છે ત્યારે કોને ના પાડીએ?’’
વિનમ્ર અને પરગજુ એવા મનુભાઇએ જણાવ્યુ હતુ કે ‘’અમારી પાસે વ્યવસ્થા છે અને એનો અમે ઉપયોગ કરીએ છીએ. અમારે સ્ટાફને પણ તકલીફ ન પડે તે માટે અમે તેમના તમામના પગાર ચાલુ રાખ્યા છે. તેમની મદદથી અમે સૌ સેવા કરવાનો નમ્ર પ્રયાસ કરીએ છીએ. અમારાથી થશે એટલી સેવા અમે જરૂર કરીશું. ફાર્મસી આગળ લાંબી લાઇનો લાગે છે ત્યારે પ્રોટેક્ટીવ શીટની મદદથી તેમને કોરોનાવાયરસના ચેપ સામે જરૂરથી બચાવી શકાય તેમ છે.‘’