દેશના ભૂતપૂર્વ વડાપ્રધાન અને કોંગ્રેસના પીઢ નેતા ડો. મનમોહન સિંહ તબિયત લથળી છે. તાવ અને નબળાઇને પગલે તેમને દિલ્હીની એઇમ્પ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. 88 વર્ષના ડો. સિંહની સારવાર એઇમ્સના સીએન ટાવરમાં ચાલી રહી છે.
મનમોહન સિંહની મેડિકલ તપાસ માટે દિલ્હી એઇમ્સમાં એક મેડિકલ બોર્ડની રચના કરવામાં આવી છે. આ બોર્ડના વડા ડો. રણદીપ ગુલેરિયા છે. મનમોહન સિંહને આ વર્ષે 19 એપ્રિલે કોરોના થયો હતો. તે સમયે પણ તેમને એઇમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા અને 10 દિવસ બાદ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.
ડો. મનમોહન સિંહે ચાર માર્ચ અને ત્રણ એપ્રિલે કોરોના વેક્સિનના બંને ડોઝ લીધા છે. તેઓ હાલમાં રાજસ્થાનમાંથી રાજ્યસભાના સાંસદ છે. ડો. સિંહ 2004થી 2014 સુધી દેશના વડાપ્રધાન હતા. તેમને ડાયાબિટિશની બિમારી છે. બે બાયપાસ સર્જરી પણ થઈ છે. પહેલી સર્જરી 1990માં બ્રિટનમાં થઈ હતી. 2009માં એઇમ્સમાં બીજી બાયપાસ સર્જરી કરવામાં આવી હતી. ગયા વર્ષે દવાના રિએક્શન અને તાવને કારણે ડો. સિંહને એઇમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા.