બ્રિટિશ ભારતીય એન્ટ્રપ્રેન્યોર અને માર્કેટિંગ એજન્સી ‘હીયર એન્ડ નાઉ’ના સ્થાપક મનીષ તિવારીને યુકેની રાજધાની લંડનના નાણાકીય કેન્દ્રમાં તેમના યોગદાન બદલ ‘ફ્રીડમ ઑફ ધ સિટી ઑફ લંડન’ સન્માન આપવામાં આવ્યું છે. તેમણે “ડેકલેરેશન ઓફ ફ્રીમેન” વાંચ્યું હતું અને તાજેતરમાં “ડેકલેરેશન ઓફ ફ્રીમેન” પુસ્તક પર હસ્તાક્ષર કર્યા હતા.
મનિષ તિવારીએ કહ્યું. હતું કે ‘’આ સન્માન ઇતિહાસમાં છે અને પરંપરાગત રીતે આ માન્યતાએ “ફ્રીમેન”ને સ્ક્વેર માઇલ અથવા લંડનના નાણાકીય હૃદયમાં વેપાર કરવાનો અધિકાર આપ્યો છે. તેના બહુ-સાંસ્કૃતિક વારસાના બળ પર, લંડન શહેર સતત વિકાસ અને સમૃદ્ધિ પામી રહ્યું છે. તે તેના ભૂતકાળનો લાભ ઉઠાવીને અને પરિવર્તનને સ્વીકારીને વૈશ્વિક ફાઇનાન્સમાં મોખરે રહે છે અને મને આ વારસાનો એક ભાગ બનવાનું ગૌરવ છે.”
આ ખિતાબ આપવાની પરંપરા 1237માં શરૂ થઈ હોવાનું મનાય છે. ફ્રીમેનનું બિરુદ આજે વધુ સાંકેતિક છે અને તે લોર્ડ મેયરની ઓફિસ સાથે સંકળાયેલી ચોક્કસ ફરજો સાથે આવે છે. 1996 પહેલા ‘ફ્રીડમ ઑફ સિટી ઑફ લંડન’નું સન્માન ફક્ત બ્રિટિશ અથવા કોમનવેલ્થ નાગરિકોને જ અપાતું હતું. પણ તે પછી તેને વૈશ્વિક સ્તરે વિસ્તૃત કરી કોઇ પણ દેશના વ્યક્તિઓને આપવામાં આવે છે.
આ સન્માન આ અગાઉ ભારતના પ્રથમ વડા પ્રધાન જવાહરલાલ નેહરુ, દક્ષિણ આફ્રિકાના નેતા નેલ્સન મંડેલા અને માઇક્રોસોફ્ટના સ્થાપક બિલ ગેટ્સને અપાઇ છે. તિવારી આ મહિનાની શરૂઆતમાં લંડનમાં આઇકોનિક ગિલ્ડહોલમાં ચેમ્બરલેન્સ કોર્ટમાં એક ગૌરવપૂર્ણ સમારોહમાં રેન્કમાં જોડાયા હતા.