નોટિંગહામના લેન્ટન વિસ્તારમાં ડર્બી રોડ પર યુનિવર્સિટીના પ્રથમ વર્ષના વિદ્યાર્થી વિલીયમ ક્રિસમસને કારની અડફેટે લઇ રસ્તા પર મરવા માટે છોડી દેનાર નાશામાં ધૂત લાફબરોના માર્કેટિંગ મેનેજર મનીષ શાહને છ વર્ષ અને નવ મહિનાની જેલની સજા કરવામાં આવી હતી.
શાહે અડધી સજા કસ્ટડીમાં અને બાકીની સજાનો અડધો ભાગ લાઇસન્સ પર ભોગવવાનો રહેશે. તેને આઠ વર્ષ અને ચાર મહિના સુધી ડ્રાઇવિંગ કરવા માટે અયોગ્ય ઠેરવવામાં આવ્યો હતો.
લોકડાઉન લાદવામાં આવે તે પહેલા છેલ્લી વખત સાથે કામ કરતા સાથીદારો સાથે બહાર ગયેલો મનિષ શાહ ડ્રિંક ડ્રાઇવની મર્યાદાથી લગભગ ત્રણ ગણો વધુ નશો કરેલી હાલતમાં મળી આવ્યો હતો. 30 માઇલ પ્રતિ કલાકની સ્પીડ લીમીટ ધરાવતા રોડ પર 46 માઇલ પ્રતિ કલાકની ઝડપે કાર ડ્રાઇવિંગ કરતા મનિષે મિત્રો સાથે ટર્મ એન્ડની ઉજવણી કરવા જતો 19 વર્ષીય વિલિયમ 19 માર્ચ, ગુરૂવારે વહેલી સવારે રસ્તો ક્રોસ કરતો હતો ત્યારે ઘટનાસ્થળે જ મરણ પામ્યો હતો. એમ્બ્યુલન્સ આવે તે પહેલા એક પોલીસ ઓફિસરે સીપીઆર કર્યું હતું પરંતુ તે કામે લાગ્યું ન હતું.
લાફબરોના બાર્સ્બી ડ્રાઈવ ખાતે રહેતો મનિષ શાહ ઘટનાસ્થળેથી ભાગી ગયો હતો જ્યારે વિલિયમના મિત્રો અને પસાર થતા લોકો તેની સહાય માટે દોડી આવ્યા હતાં. પેટ્રોલિંગ કરતી પોલીસે સેક્ષન ગ્રીન વિસ્તારમાંથી તૂટેલા વિન્ડસ્ક્રીન સાથે શાહની ફોર્ડ ફોકસ કાર કબ્જે કરી હતી.
પોલીસે જણાવ્યું હતું કે મનિષ શાહ ભારે નશો કરેલી હાલતમાં હતો અને તે બરોબર બોલી કે સહાય વગર ઉભો પણ રહી શકતો નહોતો. તેણે શ્વાસ અને લોહીની તપાસનો ઇનકાર કર્યો હતો પરંતુ અંતે યુરિનનો નમુનો આપવા સંમત થયો હતો. તેની પાસે કારનો વીમો પણ નહોતો અને તેનુ લાયસન્સ અને કારનું એમઓટી એક્સપાર્યર્ડ થયેલુ હતું.
મોતને ભેટેલો વિલીયમ ડૉરસેટનો વતની હતો અને તે નોટિંગહામ યુનિવર્સિટીમાં પોલિટીક્સ અને ઇન્ટરનેશનલ રિલેશન્સનો અભ્યાસ કરતો હતો.
સજા આપતા જજ કૌપલેન્ડે અદાલતને કહ્યું હતું કે “તમે જે રીતે કાર ચલાવી તે જોતાં દોષ તમારો અને તમારો જ છે. તમે અસામાન્ય રીતે જોખમી હતા, વધુ સ્પીડે વાહન ચલાવતા હતા, અને ધ્યાન આપતા ન હતા. તમે તેને જોયો નહતો અથવા તો યોગ્ય રીતે પ્રતિક્રિયા આપી નહતી. તમે તેને આપત્તિજનક ઇજાઓ પહોંચાડીને મદદ કરવાના બદલે ભાગી ગયા હતા. તમે પોલીસને પણ સહકાર આપ્યો ન હતો અને તમે ઘાયલ કિશોર કરતાં તમારી કાર વિશે વધુ ચિંતિત જણાતા હતા.’’