ભારતના પૂર્વીય રાજ્ય મણીપુરમાં શનિવાર, 14 નવેમ્બરે માઓવાદીઓએ આસામ રાયફલ્સ પર કાયરતાપૂર્વકનો હુમલો કર્યો હતો. આ હુમલામાં કર્નલ રેન્કના ઓફિસર સહિત તેના પત્ની-પુત્ર મળીને સાત લોકોનાં મોત થયા હતા. ચુરાચાંદપુર જિલ્લાના શેકન ગામમાં બનેલી આ ઘટનામાં આઇઈડી બ્લાસ્ટ અને ધાણીફૂટ ગોળીબારમાં કર્નલ વિપ્લવ ત્રિપાઠી અને તેની પત્ની તેમજ દીકરાનું મોત થયું હતું. આ હુમલો સવારે 10 વાગ્યે કરવામાં આવ્યો હતો. હુમલા પાછળ પીપુલ્સ લિબરેશન આર્મીનો હાથ હોવાનું જણાવાય છે. આ હુમલાની પુષ્ટિ મુખ્યમંત્રી બિરેન સિંહે કરી હતી. તેમણે આ હુમલાની ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યું હતું.
ઉગ્રવાદીઓએ આસામ રાયફલ્સના ઉચ્ચ અધિકારીને ટાર્ગેટ કર્યા હતા. અગાઉથી ત્યાં સ્થળ પર હાજર રહેલા ઉગ્રવાદીઓએ આસામ રાયફલ્સના કાફલા પર ઘાતકી હુમલો કર્યો હતો. આ હુમલામાં કર્નલ 46 એઆર વિપલ્પ ત્રિપાઠી તેમની પત્ની અને દીકરા તેમજ ચાર જવાનોના મોત થયા હતા. મુખ્યમંત્રી બિરેન સિંહે જણાવ્યું કે હું આ કાયરતાપૂર્વક કરાયેલા હુમલાની નિંદા કરું છું. રાજ્ય પોલીસ ફોર્સ તેમજ અર્ધલશ્કરી જવાનો ઉગ્રવાદીઓને ઝડપી પાડવા માટે કામગીરી કરી રહ્યા છે. એકપણ આરોપીને છોડવામાં નહીં આવે.
આ ઘટના અંગે કેન્દ્રીય સુરક્ષા પ્રધાન રાજનાથ સિંહે પણ દુઃખ વ્યક્ત કર્યું હતું. તેમણે ટ્વીટ કરી કહ્યું કે, આસામ રાયફલ્સના વીર જવાનો પર કાયરતાપૂર્વકનો હુમલો કરાયો છે. આ ઘટનાથી હું ઘણો વ્યથિત થયો છું. દેશના વીર જવાનો અને કર્નલના પરિવારને ગુમાવવાનું ભારોભાર દુઃખ છે.