ટોક્યો ઓલિમ્પિક્સમાં ભારતીયો માટે સોમવારનો દિવસ નિરાશાજનક રહ્યો હતો. ટેબલ ટેનિસ સ્ટાર મણિકા બત્રા વિમેન્સ સિંગલ્સમાં હારી ગઈ હતી આ ઉપરાંત ટેનિસ, તિરંદાજી, તલવારબાજી અને બેડમિન્ટનમાં પણ ભારતીય ખેલાડીઓને પરાજયનો સામનો કરવો પડ્યો હતો. જોકે, દિગ્ગજ ટેબલ ટેનિસ ખેલાડી અચંતા શરત કમલે આગેકૂચ જારી રાખી છે. પરંતુ શરત કમલ માટે આગામી રાઉન્ડ ઘણો જ કપરો અને પડકારજનક બની રહેશે કારણ કે તે તેનો સામનો વર્તમાન ચેમ્પિયન અને વર્લ્ડ ચેમ્પિયન ચીનના લોંગ સામે થશે.
મણિકા બત્રાને વિમેન્સ સિંગલ્સના ત્રીજા રાઉન્ડમાં પરાજયનો સામનો કરવો પડ્યો હતો. ઓસ્ટ્રિયાની સોપિયા પોલકાનોવાએ મણિકાને એક પણ તક આપી ન હતી અને 27 મિનિટમાં જ મેચ 4-0થી જીતી લીધી હતી. મણિકાએ ઘણા પ્રસંગોએ લડત આપી હતી પરંતુ તે પૂરતી ન હતી. આ ઉપરાંત વિમેન્સ સિંગલ્સના બીજા રાઉન્ડમાં સુતિર્થા મુખર્જીને પણ પરાજયનો સામનો કરવો પડ્યો હતો. સુતિર્થા પોર્ટુગલની ફુ યુ સામે બીજા રાઉન્ડની મેચમાં હારી ગઈ હતી.તાની પ્રથમ મેચમાં શાનદાર પ્રદર્શન કરનારી સાત્વિકસાઈરાજ રાંન્કીરેડ્ડી અને ચિરાગ શેટ્ટીની જોડી બીજા રાઉન્ડમાં ઈન્ડોનેશિયાની વિશ્વની નંબર-1 જોડી કેવિન સંજય સુકામુલિજો અને માર્ક્સ ફર્નાલ્ડી ગિડેઓન સામે હારી ગઈ હતી. ભારતીય જોડીએ બંને ગેમમાં પડકાર આપવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તેમના પ્રયાસ પૂરતા રહ્યા ન હતા. ભારતીય જોડીને 13-21, 12-21થી પરાજયનો સામનો કરવો પડ્યો હતો.
હવે ગ્રૂપ-એમાં પોતાની અંતિમ મેચમાં સાત્વિક અને ચિરાગની જોડીએ બ્રિટિશ જોડીને હરાવવી પડશે અને બીજી તરફ ચાઈનિઝ તાઈપેઈની જોડી ઈન્ડોનેશિયાની જોડી સામે હારી જાય તેવી અપેક્ષા રાખવી પડશે. જો આમ થશે તો ભારતની આગળ વધવાની આશા જીવંત રહી શકે છે. એ ભવાની દેવી ઓલિમ્પિક્સમાં ફેન્સિંગ (તલવારબાજી)માં ભાગ લેનારી પ્રથમ ભારતીય છે. તેણે પ્રભાવશાળી પ્રદર્શન કર્યું હતું પરંતુ વિશ્વની ત્રીજા ક્રમાંકની ખેલાડી મેનોન બ્રુનેટ સામે તેને મહિલાઓની વ્યક્તિગત સાબરે ઈવેન્ટમાં પરાજયનો સામનો કરવો પડ્યો હતો. 27 વર્ષીય ભાવની દેવીએ ટ્યુનિશિયાની નાદિયા બેન અઝિઝિ વિરુદ્ધ 15-3થી વિજય નોંધાવીને શાનદાર શરૂઆત કરી હતી. જોકે, ત્યારપછીના રાઉન્ડમાં તેનો સામનો રિયો ઓલિમ્પિક્સની સેમિફાઈનલિસ્ટ ફ્રાન્સની બ્રુનેટ સામે હતો. જેમાં તેને 7-15થી પરાજયનો સામનો કરવો પડ્યો હતો.