વધતા જતા કોરોનાવાયરસના કેસો અને મરણ પામનારા લોકોની સંખ્યામાં થઇ રહેલા સતત વધારા બાદ ગ્રેટર માંચેસ્ટરને કોવિડ પ્રતિબંધોના ટાયર થ્રીમાં લઇ જવા અંગે સરકાર સાથે ડીલ કરવા માટેની મંગળવારે બપોરે નાણાકીય ટેકો આપવાની વાટાઘાટો તૂટી પડ્યા પછી ગ્રેટર માન્ચેસ્ટર પર કોવિડ પ્રતિબંધોના ઉચ્ચતમ સ્તર ટાયર થ્રીને લાદવામાં આવ્યું હતું. છેલ્લે ત્યાંના સ્થાનિક નેતાઓએ £65 મિલિયનની માંગણી કરી હતી, પરંતુ હવે તેમને સરકાર તરફથી 60 મિલિયનથી ઓછા (લગભગ £56 મિલીયન) મળશે.
ગ્રેટર માંચેસ્ટરમાં ટાયર થ્રી હેઠળના પ્રતિબંધો દાખલ કરવા અંગેની વાતચીત સમજૂતી વિના સમાપ્ત થઈ હોવાનું જણાવી કોમ્યુનીટી સેક્રેટરી રોબર્ટ જેન્રીકે આક્ષેપ કર્યો હતો કે ‘’ગ્રેટર માન્ચેસ્ટરના મેયર એન્ડી બર્નહામ વાયરસને અંકુશમાં લેવા જરૂરી પગલાં લેવા “અનિચ્છા” ધરાવે છે. જેને પગલે હવે આ ક્ષેત્ર પર ટાયર થ્રી પગલાં લાદવાની અપેક્ષા છે. હું નિરાશ છું કે પરિસ્થિતિની ગંભીરતાને માન્યતા આપ્યા હોવા છતાં, ગ્રેટર માન્ચેસ્ટરના મેયર વાયરસનો ફેલાવો રોકવા અને સરકાર સાથે કરાર સુધી પહોંચવા માટે જરૂરી પગલાં લેવા તૈયાર નથી. તેથી મેં વડા પ્રધાનને સલાહ આપી છે કે આ ચર્ચાઓ કરાર વિના સમાપ્ત થાય છે.”
ગ્રેટર માન્ચેસ્ટરના સ્થાનિક નેતાઓ આ અગાઉ ટાયર થ્રીમાં જવાના કારણે થનારી અસર સામે સરકારની ઓછામાં ઓછી £75 મિલિયનની આર્થિક સહાય માટે દલીલ કરી હતી. જ્યારે સરકારે £60 મિલિયનની ઑફર કરી હતી આ અંગે કોઈ કરાર કરવામાં આવ્યો છે કે નહિં તે જાહેર થયું નથી પરંતુ પ્રદેશના મેયર, એન્ડી બર્નહામ અને વડાપ્રધાને બપોરના સમયે ટેલિફોન દ્વારા વાત કરી હતી.
સોમવારે તા. 19ના રોજ યુકેમાં વધુ 18,804 કોરોનાવાયરસ કેસ અને 80 લોકોના મોત નોંધાયા છે. ઇંગ્લેન્ડ અને વેલ્સમાં સાપ્તાહિક નોંધાયેલા કોરોનાવાયરસના મૃત્યુની સંખ્યામાં 438નો વધારો થયો હતો અને છેલ્લા સાત દિવસમાં ત્રીજો વધારો થયો હતો. કોરોનાવાયરસના કેસોને નિયંત્રિત કરવાના પ્રયાસ તરીકે ઇંગ્લેન્ડમાં ગત સપ્તાહે થ્રી ટાયર સિસ્ટમ અમલમાં આવી હતી.
સોમવારે તા. 19ના રોજ, હેલ્થ સેક્રેટરી મેટ હેનકોકે હાઉસ ઑફ કૉમન્સને જણાવ્યું હતું કે સાઉથ યોર્કશાયર, વેસ્ટ યોર્કશાયર, નોટિંગહામશાયર, નોર્થ ઇસ્ટ ઇંગ્લેન્ડ અને ટીસાઇડને ટોચનાં ટાયરમાં મૂકવા માટે ચર્ચા કરવાનું વિચાર્યું છે. જ્યારે વેલ્સમાં લોકોને શુક્રવાર તા. 23થી ઘરે રોકાવાનું કહેવામાં આવશે, જ્યારે પબ્સ, રેસ્ટોરન્ટ્સ અને નોન એસેન્શીયલ દુકાનો “ટૂંકા અને તીક્ષ્ણ” નેશનલ લોકડાઉનનાં ભાગ રૂપે તા. 9 નવેમ્બર સુધી બંધ રહેશે.
બોરીસ જ્હોન્સન મંગળવારે સાંજે 5 કલાકે ડાઉનિંગ સ્ટ્રીટ ખાતે પ્રેસ કોન્ફરન્સનું નેતૃત્વ કરનાર છે. જેમાં તેમની સાથે એનએચએસ ઇંગ્લેન્ડના મેડિકલ ડિરેક્ટર પ્રોફેસર સ્ટીફન પોવિસ અને ઇંગ્લેન્ડના ડેપ્યુટી ચીફ મેડિકલ ઓફિસર પ્રો. જોનાથન વેન-ટેમ હાજર રહેનાર છે. જ્યારે હેલ્થ સેક્રેટકરી મેટ હેનકોક તા. 20ને મંગળવારે સાંજે 7 કલાકે કૉમન્સમાં નિવેદન આપશે.
પ્રતિબંધોને કડક બનાવવાના ભાગરૂપે નોર્ધર્ન આયર્લેન્ડમાં બે-અઠવાડિયા સુધી શાળા બંધ કરવાની શરૂઆત થઈ છે. સ્કોટલેન્ડમાં સેન્ટ્રલ બેલ્ટમાં આકરા પ્રતિબંધો છે અને ત્યાં ઇંગ્લેંડની જેમ ટાયર થ્રીની યોજના છે.
કોમ્યિનીટી સેક્રેટરી રોબર્ટ જેન્રીકે જણાવ્યું હતું કે જો કોઈ સોદો મંજૂર નહિં થાય તો વડા પ્રધાન ઉચ્ચ કક્ષાના પગલાં લાદી શકે છે. ટાયર થ્રીને ખૂબ જ ઉચ્ચ ચેતવણીનું સ્તર તરીકે ઓળખવામાં આવે છે – તેનો અર્થ પબ અને બાર બંધ કરવાનો છે અને ઘરોમાં હળવા-મળવા પર વધારાના પ્રતિબંધો લાદવામાં આવે છે.
અત્યાર સુધી, ફક્ત લિવરપૂલ સિટી રિજન અને લેન્કેશાયરને ટાયર થ્રીમાં ખસેડવામાં આવ્યા છે. મેયર અને સાંસદો સહિત સરકાર અને સ્થાનિક નેતાઓ છેલ્લા 10 દિવસથી ગ્રેટર માન્ચેસ્ટરની 2.8 મિલિયન વસ્તીને ટાયર ટુ થી ટાયર થ્રીમાં ખસેડવા અંગે વાટાઘાટો કરતા હતા. જુલાઇથી આ ક્ષેત્ર સ્થાનિક પ્રતિબંધો હેઠળ છે.
મેયર બર્નહામે બીબીસી રેડિયો 4 ના ટુડે પ્રોગ્રામને જણાવ્યું હતું કે ‘’તેઓ સ્થાનિક નેતાઓને એક પત્રમાં વધારાની નાણાકીય સહાય માટે સરકારને વિનંતી કરવા સલાહ આપશે. જો અમે પ્રતિબંધો હેઠળ રહીશું તો તે પ્રતિબંધો લોકોને દબાવશે અને તે બિઝનેસીસને ખાઇની નજીક ધકેલી દેશે. જો બંને પક્ષો વચ્ચે કોઈ સમજૂતી નહીં થાય અને સરકાર ગ્રેટર માન્ચેસ્ટર પર ટાયર થ્રીને લગતા પ્રતિબંધો લાદશે અમે કાયદો તોડીશું નહીં. તેઓ જે વિચારે છે તે કરવા માટે તેમની અગ્રતા છે. પરંતુ મને નથી લાગતું કે તે લોકો વાયરસને નિયંત્રણમાં રાખવા માટે જે કરવા માંગે છે તેનાથી મદદ મળશે. મને લાગે છે કે કરાર કરવામાં આવે તો સારું.”
ચાન્સેલર ઋષિ સુનકે કૉમન્સને કહ્યું હતું કે ‘’સરકાર ગ્રેટર માન્ચેસ્ટરને યુકેના દરેક ભાગની જેમ જ માને છે અને સરકાર ટાયર થ્રી વિસ્તારોના લોકોના માથા દીઠ £ 8નું ‘નેશનલ ફંડીંગ ફોર્મ્યુલા’ પૂરી પાડવા કટિબધ્ધ છે.
બિઝનેસ મિનીસ્ટર નધિમ ઝાહાવીએ આજે જણાવ્યું હતું કે, ગ્રેટર માન્ચેસ્ટરને £22 મિલિયનની ઓફર કરવામાં આવી છે – જે વ્યક્તિ દીઠ £8ની સમકક્ષ છે અને લિવરપૂલ સિટી રિજન અને લેન્કેશાયરમાં અમે જે કર્યું છે તેનાથી વધારાની સહાયતા થશે”. તે બંને પ્રદેશોને બિઝનેસીસ માટે £30 મિલિયનની સહાય કરવામાં આવી છે તે જોતાં મોટા ગ્રેટર માન્ચેસ્ટરને લગભગ £ 56 મિલીયન જેટલી મદદ થવી જોઇએ.