અમેરિકાના નોર્થ કેરોલિનાના રાજ્યના ન્યુપોર્ટ શહેરમાં 46 વર્ષીય ભારતીય મૂળના મોટેલ માલિકની અજાણ્યા હુમલાખોરે ગોળી મારીને હત્યા કરી હતી. બુધવારે પોલીસ ઘટનાસ્થળે પહોંચી ત્યારે સત્યેન નાયક મોટેલની બહાર ગોળી વાગેલી હાલતમાં મળ્યાં હતાં. આ મોટેલ માલિક ગણદેવી તાલુકાના સોનવાડી ગામના હોવાનું માનવામાં આવે છે. હુમલાખોરે પણ જાતે ગોળી મારીને આપઘાત કર્યો હતો.
મીડિયા રીપોર્ટ મુજબ ગણદેવી તાલુકાના સોનવાડી ગામે દેસાઈ ફળિયામાં રહેતા પ્રકાશભાઈ નાયકનો પરિવાર છ દાયકા અગાઉ અમેરિકામાં સ્થાયી થયો હતો. પરીવારનો મોટો પુત્ર સત્યેન નાયક (ઉ.વ.૪૬) અમેરિકાનાં નોર્થ કેરોલિનનાં ન્યુ પોર્ટ શહેરમાં હોસ્ટેસ હાઉસ નામની મોટેલ ચલાવતાં હતા.
ઘાયલ હાલતમાં ઇમર્જન્સી સર્વિસના કર્મચારીઓ સારવાર મેળવવા કારટેરેટ હેલ્થ કેરમાં લઈ ગયા હતાં. બાદમાં તેમને મૃત જાહેર કરવામાં આવ્યાં હતા.
બુધવારે સાંજે એક ટ્રોય કેલમ નામનો હોમલેશ શખ્સ મોટેલમાં ધસી આવ્યો હતો. તેને એકાએક પિસ્તોલ કાઢી સત્યેન નાયક ઉપર ગોળીબાર કર્યો હતો. તેનાથી સત્યેન નાયક ગંભીર રીતે ઘાયલ થયા હતા. આ અંગે પોલીસને જાણ કરાતા સ્પેશિયલ રિસ્પોન્સ ટીમ (એસઆરટી) ધસી આવી હતી અને હુમલાખોરને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. તે દરમિયાન હુમલાખોરે જાતે જ ગોળી મારી આત્મહત્યા કરી લીધી હતી. આ અણધારી ઘટનાની વતન ગણદેવીનાં સોનવાડી ગામે જાણ થતાં પરિવારજનો અને ગ્રામજનોએ ઊંડા શોકની લાગણી વ્યકત કરી હતી