એક આઘાતજનક કિસ્સામાં એક યુવકે કથિત રીતે તેની લિવ-ઇન પાર્ટનરનું ગળું દબાવીને હત્યા કરી તેના શરીરના 35 ટુકડા કરી નાખ્યા હતા અને 18 દિવસમાં દિલ્હીના મહેરૌલીના જંગલમાં ફેંકી દીધા હતા, એમ પોલીસે જણાવ્યું હતું. આરોપી પાંચ છ મહિના પહેલા હત્યા કરી ફરાર થઈ ગયો હતો. આરોપી રાત્રે બે વાગે શરીરના ટુકડા નાંખવા જંગલમાં જતો હતો. પોલીસે આરોપીની ધરપકડ કરી છે.
28 વર્ષીય આફતાબ અમીન પૂનાવાલાને 18 મેના રોજ તેની લિવ-ઇન પાર્ટનર શ્રદ્ધા વાલકર સાથે ઝઘડો થયો હતો તેથી કથિત રીતે ગળું દબાવી દીધું હતું. આ પછી તેને તેના શરીરના 35 ટુકડા કર્યા અને તેને રાખવા માટે 300 લીટરનું ફ્રીજ ખરીદ્યું હતું. 18 દિવસમાં તેને મહેરૌલી જંગલના વિવિધ વિસ્તારોમાં ટુકડાઓનો નિકાલ કર્યો હતો.
સાઉથ ડિસ્ટ્રિક્ટના એડિશનલ ડીસીપી-2 અંકિત ચૌહાણે જણાવ્યું હતું કે “મુંબઈમાં નોકરી દરમિયાન બંને પ્રેમમાં પડ્યા હતા અને તેમના પરિવારોના વિરોધનો સામનો કર્યા પછી એપ્રિલના અંતમાં અથવા મેના પ્રથમ સપ્તાહમાં દિલ્હી આવ્યા હતા. તેઓ રાષ્ટ્રીય રાજધાનીમાં રહેતા હતા, ત્યારે તેમની વચ્ચે મેના મધ્ય ભાગમાં લગ્નના મુદ્દે દલીલબાજી અને પછી ઝઘડો થયો હતો. તેને યુવતીનું ગળું દબાવી દીધું હતું.” તેમણે વધુમાં જણાવ્યું હતું કે “આરોપીએ યુવતીના મૃતદેહને ફ્રિજમાં સાચવી રાખ્યો હતો અને વિવિધ પ્રસંગોએ તેનો નિકાલ કર્યો હતો.”
26 વર્ષની શ્રદ્ધા મુંબઈમાં એક બહુરાષ્ટ્રીય કંપનીના કોલ સેન્ટરમાં કામ કરતી હતી, જ્યાં તેની મુલાકાત પૂનાવાલાને થઈ હતી. બંનેએ ડેટિંગ કરવાનું શરૂ કર્યું અને સાથે રહેવા લાગ્યા. તેના પરિવારે તેમના સંબંધોને મંજૂર ન કર્યા પછી દંપતી ભાગીને દિલ્હી આવી ગયું હતું. તેઓ મહેરૌલીમાં એક ફ્લેટમાં રહેવા લાગ્યા હતા.
સપ્ટેમ્બરમાં શ્રદ્ધાના મિત્રએ તેના ભાઈને જાણ કરી કે તેનો મોબાઈલ ફોન બે મહિનાથી વધુ સમયથી બંધ છે. શ્રદ્ધાના પરિવારે તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પણ તપાસ્યા અને આ સમયગાળા દરમિયાન કોઈ અપડેટ મળ્યાં ન હતા.
નવેમ્બરમાં પીડિતાના પિતા વિકાસ મદન વાલકરે મુંબઈ પોલીસને ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. પ્રારંભિક તપાસ દરમિયાન, પીડિતાનું છેલ્લું લોકેશન દિલ્હીમાં મળી આવ્યું હતું અને તેના આધારે કેસ દિલ્હી પોલીસને ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો. તેમની ફરિયાદમાં વાલકરે આરોપ લગાવ્યો છે કે શ્રદ્ધાએ તેને અગાઉ કહ્યું હતું કે પૂનાવાલા તેને વારંવાર મારતો હતો.