અમેરિકામાં હિન્દુઓ સામેના હેટ ક્રાઇમમાં વધારો થઈ રહ્યો છે. સત્તાવાળાએ 8 ઓક્ટોબરે જણાવ્યું હતું કે કેલિફોર્નિયામાં સાડી પહેરતી ઓછામાં ઓછી ૧૪ હિન્દુ મહિલા ઉપર લૂંટના ઇરાદા સાથે હુમલો કરનારા શખ્સની ધરપકડ કરાઈ છે. જૂનથી શરૂ થયેલી ઘટનાઓમાં આરોપી મહિલાઓ પર હુમલો કરી તેમના ઘરેણાં ખેંચી નાસી છૂટતો હતો.સેન્ટા ક્લેરા કાઉન્ટી ડિસ્ટ્રિક્ટ એટર્નીની ઓફિસ અનુસાર ૩૭ વર્ષના લથા જ્હોન્સને બે મહિનામાં આચરેલા અપરાધોમાં હિંદુ મહિલાઓને ટાર્ગેટ કરી હતી અને ગળામાંથી હાર ખેંચી લીધા હતા.
સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર જ્હોન્સન મહિલાના ગળામાંથી નેકલેસ ખેંચી વાહન પર ભાગી છૂટતો હતો.આવી ઘટનાઓમાં મહિલાઓને ઇજા પણ થઈ હતી. ખાસ કરીને તે ૫૦થી ૭૩ વર્ષના વયજૂથની મહિલાઓને ટાર્ગેટ કરતો હતો. જ્હોન્સન પર મહિલાઓના ગળામાંથી બળજબરીપૂર્વક ઘરેણાં કાઢી લેવાનો આરોપ છે. આવી જ અન્ય એક ઘટનામાં તેણે એક મહિલાને ધક્કો મારી નીચે પછાડતા પહેલાં તેના પતિના ચહેરા પર મુક્કો માર્યો હતો. ત્યાર પછી તે મહિલાના ગળામાંથી હાર ખેંચી કારમાં નાસી છૂટ્યો હતો. વધુ એક હુમલામાં મહિલાનું કાંડું તૂટી ગયું હતું. સેન્ટા ક્લેરા પોલિસ ડિપાર્ટમેન્ટ અને અમેરિકન માર્શલની ઓફિસ દ્વારા જ્હોન્સનની પૂછપરછ કરવામાં આવી હતી. મિલ્પિતાસ પોલિસ વિભાગે સૌથી પહેલાં જ્હોન્સન આ ગુનાઓમાં સંકળાયેલો હોવાનું શોધી કાઢ્યું હતું.
જ્હોન્સન દોષિત પુરવાર થશે તો તેને મહત્તમ ૬૩ વર્ષની સજા થશે. કેસની આગામી સુનાવણી ૪ નવેમ્બરના રોજ કરાશે. જ્હોન્સને ચોરેલા નેકલેસની કિંમત અંદાજે ૩૫,૦૦૦ ડોલર થાય છે. જિલ્લા એટર્નીની ઓફિસે જણાવ્યું હતું કે, હુમલો થયો ત્યારે લગભગ તમામ મહિલાઓએ સાડી પહેરી હતી, ચાંલ્લો કર્યો હતો અને અન્ય પરંપરાગત વસ્ત્રોમાં હતી. જૂનથી શરૂ થયેલી મોટા ભાગની ઘટનાઓ સેન હોઝે, મિલ્પિટાસ, સનીવેલ અને સેન્ટા ક્લેરામાં થઈ હતી.