(ANI Photo)

વિપક્ષી ઇન્ડિયા ગઠબંધનની મંગળવારે નવી દિલ્હીમાં યોજાયેલી બેઠકમાં ટીએમસીના વડા મમતા બેનરજી અને દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે વિપક્ષના વડાપ્રધાનના ઉમેદવાર તરીકે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના નામની દરખાસ્ત કરી હતી. જોકે ખડગેએ નમ્ર ઇનકાર કરીને આ યોજના પર ઠંડું પાણી રેડી દીધું હતું.

કોંગ્રેસના દિગ્ગજ નેતાએ કહ્યું હતું કે પહેલા જીતવું મહત્વપૂર્ણ છે અને બાકીનું બધું પછી નક્કી કરી શકાય છે. વિપક્ષી ગઠબંધનની બેઠક પછી MDMK નેતા વાઈકોએ જણાવ્યું હતું કે ખડગેના નામનો પ્રસ્તાવ બેનરજી અને કેજરીવાલે કર્યો હતો. જોકે બીજા નેતાઓએ જણાવ્યું હતું કે આ મુદ્દે હજુ કોઇ અંતિમ નિર્ણય લેવામાં આવ્યો નથી. ઇન્ડિયા ગઠબંધનની આ બેઠકમાં 28 નેતાઓએ ભાગ લીધો હતો. ખડગેના નામની આ દરખાસ્તને તેમના વધતાં જતા કદનો સંકેત આપે છે, પરંતુ તે રાહુલ ગાંધી માટે ખરાબ સંકેત માનવામાં આવે છે.

પીએમનો ચહેરો એક દલિતને બનાવવાની દરખાસ્ત પછી ખડગેએ જણાવ્યું હતું કે હું દલિત લોકો માટે કામ કરું છું. પહેલા જીતીએ, પછી જોઈશું. પહેલા આપણે જીતવું પડશે અને બહુમતી મેળવવી પડશે, પછી સાંસદો લોકતાંત્રિક રીતે નિર્ણય લેશે.

મમતા બેનરજીની આ ચોંકાવનારી દરખાસ્ત માત્ર એક જ દિવસમાં તેમને મારેલો એક મોટો યુ-ટર્ન છે, કારણ કે સોમવારે તેમણે જણાવ્યું હતું કે પીએમના ચહેરા અંગેનો કોઇપણ નિર્ણય ચૂંટણી પછી લેવામાં આવશે. ભાજપ પાસે કોઈ સહયોગી નથી. એનડીએ ખતમ થઈ ગયું છે. અણે એવા નથી. ચૂંટણી પછી રિઝલ્ટ જોવા પડશે અને તે પછી પીએમના ઉમેદવારની જાહેરાત કરવી વધુ સારી રહેશે. તમામ પક્ષો આ અંગે નિર્ણય કરશે.

 

LEAVE A REPLY