પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જી ભાજપનો ટ્રોજન હોર્સ છે અને 2024ની લોકસભાની ચૂંટણી પહેલા વિરોધ પક્ષોનો મોરચો બનાવવાના તમામ પ્રયાસોમાંથી મમતા બેનર્જીને દૂર રાખવા જોઇએ, એવો કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરીએ બુધવારે આક્ષેપ કર્યો હતો.
એક ઇન્ટરવ્યૂમાં તેમણે જણાવ્યું હતું કે બેનર્જી “અવિશ્વનીય સાથીદાર” છે અને કોંગ્રેસના ભોગે રાષ્ટ્રીય સ્તરે આગળ આવવા માગે છે.તેમણે જણાવ્યું હતું કે “મમતા બેનર્જી હંમેશા પોતાને મદદ કરતા લોકોને નુકસાન પહોંચાડે છે. તેમણે વિપક્ષની એકતાના પ્રયાસોનો સામેલ કરવા ન જોઇએ. તેઓ ભાજપના ટ્રોજન હોર્સ છે અને ભાજપ સામેની લડાઇમાં તેમનો ક્યારેય વિશ્વાસ ન કરી શકાય.”
ચૌધરીએ દાવો કર્યો હતો કે “મમતા સીબીઆઇ અને ઇડીની કાર્યવાહીથી પોતાના પરિવાર અને પક્ષના નેતાઓને બચાવવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપને ખુશ કરવાના પ્રયાસ કરી રહ્યાં છે. તેઓ કોંગ્રેસમુક્ત ભારતનો હેતુ હાંસલ કરવામાં ભાજપને મદદ કરી રહ્યાં છે. ટીએમસી વિપક્ષની એકતાને તોડી નાંખવાનો પ્રયાસ કરી રહી છે.” બંગાળ કોંગ્રેસના વડાએ જણાવ્યું હતું કે ટીએમસી હંમેશા કોંગ્રેસના ભોગે આગળ વધી છે. પ્રથમ તેમણે બંગાળમાં કર્યું અને હવે રાષ્ટ્રીય સ્તરે આવો પ્રયાસ કરી રહી છે. ટીએમસી તેના સાથીદારોની પીઠ પર છરો ભોંકવા માટે જાણીતા છે.
ટીએમસી રાષ્ટ્રીય સ્તરેની તેની હાજરી મજબૂત કરવા કોંગ્રેસના નેતાઓને પક્ષમાં સામેલ કરી રહી છે, ત્યારે ચૌધરીએ આ ટીપ્પણી કરી છે. તાજેતરમાં કોંગ્રેસના ઘણા દિગ્ગજ નેતાઓ ટીએમસીમાં સામેલ થયા છે, જેમાં સુસ્મિતા દેવ અને ગોવાના પૂર્વ મુખ્યપ્રધાન લુઇઝિન્હો ફલેઇરોનો સમાવેશ થાય છે.
ચૌધરીએ જણાવ્યું હતું કે મમતા બેનર્જી દેશના વડાપ્રધાન બનવાના સપના જોઇ રહ્યાં છે અને કોંગ્રેસને સૌથી મોટો અવરોધ ગણે છે. પરંતુ કોંગ્રેસ છે ત્યાં સુધી મમતા ક્યારે વિપક્ષના નેતા બની શકશે નહીં. તેથી તેઓ કોંગ્રેસ અને તેની નેતાગીરીને છબી ખરડવાનો પ્રયાસ કરી રહ્યાં છે.