પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન અને ટીએમસીના સુપ્રીમો મમતા બેનરજીએ બુધવારે કોંગ્રેસના વડપણ હેઠળના યુપીએ ગઠબંધન સામે સવાલ ઉઠાવ્યા હતા અને તેનું અસ્તિત્વ ખતમ થઈ ચુક્યું હોવાનું જણાવ્યું હતું. તેમણે કોંગ્રેસ અને તેના યુવરાજ રાહુલ ગાંધી પર પણ પ્રહાર કર્યા હતા અને તેમના અસ્તિત્વ અંગે પણ સવાલ ઉઠાવ્યો હતો. એનસીપીના વડા શરદ પવાર સાથેની બેઠક બાદ મમતાએ કોંગ્રેસના વડપણ હેઠળના યુપીએ અંગે કહ્યું હતું કે હવે યુપીએ કોઇ ગઠબંધન નથી. તે ખતમ થઈ ચુક્યું છે.
આ પહેલા ટીએમસીના વડાએ રાહુલ ગાંધી પર પ્રહાર કર્યા હતા. રાહુલનું નામ લીધા વગર જણાવ્યું હતું કે ‘જો કોઈ કંઈ કરતું જ નથી અને માત્ર વિદેશમાં જ રહેશે તો કઈ રીતે ચાલશે.’ તેનાથી અમારે બીજા રાજ્યોમાં જવું પડે છે.
તેમણે જણાવ્યું હતું કે તમામ પ્રાદેશિક પક્ષો સાથે આવી જાય તો ભારતીય જનતા પાર્ટીને સરળતાથી હરાવી શકાય છે. મે ઘણીવાર કોંગ્રેસને કહ્યું છે કે એક એક્સપર્ટ ટીમ બનાવો, જે આપણને માર્ગદર્શન આપે, પરંતુ કોંગ્રેસ સાંભળતી જ નથી.
શરદ પવાર અને મમતા વચ્ચે આશરે એક કલાક સુધી વાતચીત થઈ હતી. આ મુલાકાત બાદ એનસીપીના વડા શરદ પવારે જણાવ્યું હતું કે મહારાષ્ટ્ર અને પશ્ચિમ બંગાળ વચ્ચે જુનો સંબંધ છે. તેમણે જણાવ્યું હતું કે ગઇકાલે મુખ્યપ્રધાન મમતા બેનરજીએ આદિત્ય ઠાકરે અને સંજય રાઉત સાથે મુલાકાત કરી હતી અને આજે તેમણે બંગાળમાં મળેલી જીત અંગે પોતાનો અનુભવ અમારી સમક્ષ રજૂ કર્યો હતો.
વિપક્ષના આ નવા મોરચામાં કોંગ્રેસને સામેલ કરવા અંગે પવારે જણાવ્યું હતું કે જે ભારતીય જનતા પાર્ટીના વિરુદ્ધમાં છે, તે અમારી સાથે ઊભા રહીને ભાજપનો મુકાબલો કરી શકે છે. 2024માં નેતૃત્વ કોણ કરશે તે પછીનો સવાલ છે. પહેલા તમામે એક મંચ પર આવવાની જરૂર છે.
તમે કોંગ્રેસની સામે શા માટે લડી રહ્યાં છો તેવા પ્રશ્નના જવાબમાં મમતાએ જણાવ્યું હતું કે જો કોંગ્રેસ અને ડાબેરીઓ અમારી વિરુદ્ધ બંગાળમાં ચૂંટણી લડી શકે છે તો અમે પણ તેમની વિરુદ્ધ જઈ શકીએ છીએ. ભાજપને હરાવવા માટે અમારે આ લડાઈ લડવી પશે.
મમતાએ જણાવ્યું હતું કે અમે મહારાષ્ટ્રમાં આવી રહ્યાં નથી. જે રાજ્યોમાં પ્રાદેશિક પક્ષો સારુ કામ કરી રહ્યાં છે ત્યાં અમે નહીં જઇએ. પરંતુ પ્રાદેશિક સાથી પક્ષોના ઉત્સાહમાં વધારો કરીશું અને તેમને સાથ આપીશું. બંગાળમાં બધુ ઠીકઠાક છે, પરંતુ અમારે બંગાળની બહાર આવવું પડશે. અમારા આવવાથી સ્પર્ધામાં પણ વધારો થશે.