સુપ્રીમ કોર્ટે શુક્રવારે ભાગેડુ ઉદ્યોગપતિ વિજય માલ્યાની અરજી ફગાવી દીધી હતી. માલ્યાએ આ અરજીમાં તેને ભાગેડુ આર્થિક ગુનેગાર જાહેર કરવા અને તેની મિલકતો જપ્ત કરવા માટે મુંબઈની કોર્ટમાં ચાલી રહેલી કાર્યવાહીને પડકારી હતી.
માલ્યાનું પ્રતિનિધિત્વ કરતા વકીલે રજૂઆત કરી હતી કે તેમને આ મામલે અરજદાર તરફથી કોઈ સૂચના મળી રહી નથી. આ પછી સુપ્રીમ કોર્ટે આ પિટિશનને ફગાવી દીધી હતી.
ટોચની અદાલતે 7 ડિસેમ્બર, 2018 ના રોજ માલ્યાની અરજી પર તપાસ એજન્સી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ને નોટિસ જારી કરી હતી. ઇડીએ મુંબઈની વિશેષ પ્રિવેન્શન ઑફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) કોર્ટ સમક્ષ ફ્યુજીટિવ ઇકોનોમિક ઓફેન્ડર્સ એક્ટ, 2018 હેઠળ માલ્યાને ભાગેડુ જાહેર કરવાની માગણી કરી છે. આ કોર્ટ કાર્યવાહી પર સ્ટે મૂકવાની માલ્યાએ સુપ્રીમ કોર્ટમાં માગણી કરી હતી. આ ધારાની જોગવાઈઓ હેઠળ, એકવાર કોઈ વ્યક્તિને ભાગેડુ આર્થિક ગુનેગાર જાહેર કરવામાં આવે, તપાસ એજન્સીને તેની મિલકત જપ્ત કરવાની સત્તા મળે છે.
માલ્યા માર્ચ 2016માં યુનાઇટેડ કિંગડમ ભાગી ગયો હતો. માલ્યાએ સામે બેન્કો સાથે રૂ.9,000 કરોડના ફ્રોડનો આરોપ છે. આ બેન્કોએ માલ્યાની કંપની કિંગફિશર એરલાઇન્સને લોન આપી હતી.