કિંગફિશરના ભાગેડુ અપરાધી વિજય માલ્યા, હીરાના વેપારી નીરવ મોદી અને સંરક્ષણ વેપારી સંજય ભંડારીના પ્રત્યાર્પણને ઝડપી બનાવવા માટે ભારતની તપાસ એજન્સીઓની ટીમ યુકેની મુલાકાત લેવાની વિચારણા કરી રહી છે. આ ટીમમાં CBI, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ અને નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સીના સભ્યો સામેલ હશે.
સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર, તપાસ અધિકારીઓ મુલાકાત અંગે વિચારણા કરી રહ્યા છે, પરંતુ હજુ તારીખ અંગેનો નક્કર નિર્ણય લેવામાં આવ્યો નથી. ઉચ્ચસ્તરીય ભારતીય ટીમ મ્યુચ્યુઅલ લીગલ આસિસ્ટન્સ ટ્રીટી (MLAT) હેઠળ યુકે સત્તાવાળાઓ સાથે દ્વિપક્ષીય ચર્ચામાં જોડાય તેવી અપેક્ષા છે. ઉલ્લેખનીય છે કે આ ટ્રીટી હેઠળ યુકે અને ભારત કાનૂની રીતે નાણાકીય ગુનેગારો અને અન્યોને સંડોવતા ગુનાઓના તપાસની માહિતી શેર કરવા માટે બંધાયેલા છે.
પ્રત્યાર્પણની પ્રક્રિયાને ઝડપી બનાવવાની સાથે તપાસ એજન્સીઓને ત્રણેય આરોપીનાં લંડનમાં બેંકિંગ સહિત નાણાકીય વ્યવહારોની માહિતી ઉપલબ્ધ થવાની અપેક્ષા છે. ઉલ્લેખનીય છે કે વિજય માલ્યા માર્ચ 2016માં યુકે ભાગી ગયો હતો અને તે કિંગફિશર એરલાઈન્સને લોન આપનારી અનેક બેંકોના 9,000 કરોડ રૂપિયા ચૂકવવામાં ડિફોલ્ટ થવાના કેસમાં ભારતમાં વોન્ટેડ છે. નીરવ મોદી રૂ. 13,000 કરોડના પંજાબ નેશનલ બેંક (PNB) કૌભાંડમાં મુખ્ય આરોપી છે, જે ભારતમાં અત્યાર સુધીના સૌથી મોટા કૌભાંડોમાંનું એક છે. PNB કૌભાંડ પ્રકાશમાં આવ્યા બાદ વિવિધ એજન્સીઓ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી ત્યારે તે પણ ભારતથી ભાગી ગયો હતો.
કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાના પતિ રોબર્ટ વાડ્રાના કથિત રીતે નજીકના સાથીદાર સંજય ભંડારી બ્લેક મની (અનડિસ્ક્લોઝ્ડ ફોરેન ઈન્કમ એન્ડ એસેટ્સ) અને ઈમ્પોઝિશન ઓફ ટેક્સ એક્ટ (FERA) હેઠળ આરોપોનો સામનો કરી રહ્યા છે. ગયા વર્ષે ઓગસ્ટમાં, બ્રિટીશ સંરક્ષણ મંત્રી ટોમ તુગેન્દટે કહ્યું હતું કે યુનાઇટેડ કિંગડમનો એવો કોઈ ઇરાદો નથી કે તે વિશ્વમાં એવી જગ્યા બની જાય જ્યાં ન્યાયથી બચવાનો પ્રયાસ કરનારા લોકો છુપાઈ શકે.