વડાપ્રધાન કાર્યાલય (પીએમઓ)ના ટોચના અધિકારીનો સ્વાંગ રચીને જમ્મુ અને કાશ્મીરમાં વીવીઆઇપી સુવિધા મેળવનાર મહાઠગ કિરણ પટેલની પત્નીની ગુજરાત પોલીસે એક સિનિયર સિટિઝનન બંગલો પચાવી પાડવાના કેસમાં મંગળવારે ધરપકડ કરી હતી. 22 માર્ચે આ દંપતિ સામે ફરિયાદ દાખલ કરવામાં આવ્યા પછી માલિકીની પટેલ ફરાર હતી.
આ બંગલો ભૂતપૂર્વ પ્રધાન જવાહર ચાવડાના ભાઇ જગદીશભાઇ પેથલજી ચાવડાનો હોવાનું માનવામાં આવે છે. વડાપ્રધાન કાર્યાલયના અધિકારીની પત્ની તરીકે રોફ જમાવતી ડો. માલિની પટેલ પોલીસના પનારે પડતાં જ તેનો રોફ અદૃશ્ય થઇ ગયો હતો. ક્રાઇમબ્રાંચે માલિનીની પૂછપરછ શરૂ કરી હતી. કિરણને આ કેસમાં જ તપાસ માટે કાશમીરથી ટ્રાન્સફર વોરંટથી અમદાવાદ લાવવાની કવાયત શરૂ થઇ હતી.
કિરણ અને તેની પત્નીએ તાજ હોટલ નજીક નીલકંઠ બંગ્લોઝમાં જગદીશ ચાવડાનો બંગલો પચાવી પાડ્યો હતો. આ અંગે ફરિયાદ થતાં જ કિરણની પત્ની માલિની ભૂગર્ભમાં ઉતરી ગઇ હતી. પોલીસની બચવા માટે માલિની અમદાવાદ બહાર ચાલી ગઇ હતી અને ભરૂચના જંબુસર ખાતે એક સ્વજનના ઘરે પહોંચી ગઇ હતી. ત્યાંથી પોલીસે તેને ઝડપી લીધી હતી. ઉલ્લેખનીય છે કે અમદાવાદના ઘોડાસર પ્રેસ્ટિજ બંગ્લોઝ ખાતેનું મકાન પણ કિરણ અને માલિનીએ પચાવી પાડ્યું છે.
મહાઠગ કિરણ પટેલની પત્ની માલિની પટેલ BAMS હોવાથી પહેલાં તે ગાયનેક હોસ્પિટલમાં નોકરી કરતી હતી. ઘોડાસરમાં ક્લિનિક પણ ધરાવતી હતી. બે દીકરીના જન્મ બાદ તેમના ઉછેર માટે તેણે ક્લિનિક બંધ કરી દીધું હતું. જ્યારબાદ નવરંગપુરા નજીક ટ્રાવેલ્સ ટાર્ગેટ નામે એર બુકિંગ અને વિઝા કન્સલ્ટિંગનું કામ કરતી હતી.