4 જુલાઈ 2021ના રોજ નેલ્સનમાં પુત્રીના લગ્નનો અંત આવતા ગુસ્સે થઇને વેવાણની કુહાડી વડે હત્યા કરનાર નેલ્સનના 58 વર્ષીય મોહમ્મદ મલિકને 13 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી.
લેન્કેશાયર પોલીસે જણાવ્યું હતું કે ‘’મોહમ્મદ મલિકે વેવાઇના ઘરના દરવાજા પર જઇને ઈશરત અહેમદની ક્રૂર રીતે હત્યા કરી હતી અને તેના પતિ અફાકને કુહાડી વડે ઘાયલ કર્યા હતા.’’
તેણે શ્રીમતી અહેમદની હત્યાનો ઇનકાર કર્યો હતો પરંતુ પ્રેસ્ટન ક્રાઉન કોર્ટમાં પછીના આરોપ માટે દોષિત ઠેરવવામાં આવ્યો હતો. મિસ્ટર અહેમદને ઘાયલ કર્યાની કબૂલાત કર્યા પછી તેને અઢી વર્ષની સજા કરવામાં આવી હતી.
મલિકની એક પુત્રી સાથેના લગ્ન તૂટી ગયા બાદ બે પરિવારો વચ્ચે પારિવારીક વિવાદો ચાલુ જ હતા. બનાવના દિવસે તે જમાઇની શોધમાં અહેમદના ઘરે ગયો હતો અને તકરાર થતા મોહમ્મદ મલિકે અફાક અને ઈશરત અહેમદ પર તેમના ઘરઆંગણે જ હુમલો કર્યો હતો.
શ્રીમતી અહેમદ, (ઉ.વ. 52)ને માથામાં ગંભીર ઈજા થઈ હતી અને બાદમાં હોસ્પિટલમાં તેનું મૃત્યુ થયું હતું. જ્યારે તેમના પતિને મગજમાં ગંભીર ઇજાઓ થઇ હતી.
મલિકે ઈશરત અહેમદને મારવા માટે વાપરેલી કુહાડી તેના બગીચામાં છુપાવી હતી જે પોલીસે કબ્જે કરી હતી.
સજા બાદ ડીટેક્ટીવ ચિફ ઇન્સપેક્ટર એલન ડેવિસે કહ્યું હતું કે આ એક “ક્રૂર અને ઘાતકી હુમલો” હતો જેણે અહેમદ પરિવારને હંમેશ માટે નુકસાન કર્યું હતું.