બરતરફ કરાયેલી લૉ ફર્મ રિસેપ્શનિસ્ટ કિરણ નસરીનને ગર્ભાવસ્થા અને આરોગ્યની સ્થિતિને ‘અસુવિધાજનક’ તરીકે વર્ણવી નોકરીમાંથી હાંકી કાઢવા બદલ મલિક લૉ ચેમ્બર્સના સોલિસીટર ડૉ. અકબર અલી મલિકે લગભગ £25,000 વળતર ચૂકવવું પડ્યું છે.
કિરણ નસરીનને હાઈપરમેસિસ ગ્રેવિડેરમ હોવાનું નિદાન થયું હતું, જે સ્ત્રીઓને ગર્ભાવસ્થા દરમિયાન પથારીવશ અને ઉલ્ટી કરાવે છે. જેથી કિરણે તેના બોસ, ડૉ. અકબર અલી મલિકને જણાવ્યું હતું કે, તે તેની લંડન સ્થિત ચેમ્બરમાં કામ કરી શકતી નથી. તેણીએ કરેલા ટેક્સ્ટ મેસેજીસ અને કોલ્સને અવગણવામાં આવ્યા હતા. જેને કારણે કિરણના પતિને તેણીની ઓફિસમાં જવું પડ્યું હતું. જ્યાં તેણીની ‘હવે જરૂર નથી’ એમ માનતા ડૉ. મલિક દ્વારા તેની સીક નોટ્સ અથવા તબીબી પુરાવા લેવાનો ઇનકાર કરાયો હતો.
ટ્રાઇબ્યુનલ પેનલે ચુકાદો આપ્યો હતો કે ફર્મના બોસ માને છે કે તેણીની મુશ્કેલ ગર્ભાવસ્થા પેઢી માટે ‘અસુવિધાજનક’ હતી. જેને પગલે ત્રણ વર્ષ સુધી પેઢીમાં કામ કરનાર કિરણ નસરીન ભેદભાવ કરાયો હોવાનો દાવો જીતી ગઇ હતી. તેણીને ગર્ભાવસ્થાના ભેદભાવ અને અયોગ્ય બરતરફીના દાવા અંગે વળતર પેટે £23,413 આપવામાં આવ્યા છે.
એમ્પ્લોયમેન્ટ જજ ડેવિડ માસ્સારેલાની આગેવાની હેઠળની પેનલે તારણ કાઢ્યું હતું કે ‘’જ્યારે તેણી ગર્ભવતી બની ત્યારે જ સમસ્યાઓ ઊભી થઇ હતી અને મલિક લો ચેમ્બર્સે ‘ગર્ભવતી કર્મચારીના સંબંધમાં સામાન્ય પગલાંમાંથી કોઈ પગલું લીધું નથી. અમે તમામ પુરાવાઓ પરથી અનુમાન લગાવીએ છીએ કે [ડૉ. મલિકનું] તેણી પ્રત્યેનું વલણ બદલાઈ ગયું હતું. તેની મુશ્કેલ ગર્ભાવસ્થા પેઢી માટે અસુવિધાજનક હતી અને ડૉ. મલિકે તેમની સેવાઓ બરખાસ્ત કરવાનું નક્કી કર્યું હતું. ડો. મલિકનું તેણી અને તેના પતિ પ્રત્યેનું વલણ પ્રતિકૂળ અને અસહકારપૂર્ણ બની ગયું હતું.
શ્રીમતી નસરીનને બરતરફ કર્યાના બે મહિના પછી, 2018માં સોલિસિટર રેગ્યુલેશન ઓથોરિટી દ્વારા મલિક લો ચેમ્બર્સને બંધ કરવામાં આવી હતી.
પાકિસ્તાનની શ્રીમતી નસરીને ડિસેમ્બર 2014માં લંડન સ્થિત ઇમિગ્રેશન સોલિસિટર ફર્મ, મલિક લૉ ચેમ્બર્સ માટે રિસેપ્શનિસ્ટ તરીકે કામ કરવાનું શરૂ કર્યું હતું. જ્યાં ડૉ. મલિક તેના લાઇન મેનેજર હતા.