
માલીની 25 વર્ષીય માતાએ એક સાથે ચાર-પાંચ નહીં પરંતુ કુલ નવ બાળકોને જન્મ આપ્યો હતા. આમાંથી બે બાળકોથી સૌને આશ્ચર્ય થયું હતું, કારણ કે ડોક્ટરોએ અગાઉ સ્કેન કર્યું હતું જેમાં બે બાળક દેખાયા ન હતા. ડોક્ટરોએ મહિલાને તેમના ગર્ભમાં સાત બાળકો હોવાનું કહ્યું હતું.
અધિકારીઓએ જણાવ્યું હતું કે માલીની 25 વર્ષીય હલિમા સિસેએ નવ બાળકોને જન્મ આપ્યો હતો, જેમાં પાંચ પુત્રી અને ચાર પુત્ર છે. મહિલાનું સફળતાપૂર્વક સિઝેરિયન કરવામાં આવ્યું હતું અને તમામ બાળકોની તબિયત એકદમ સારી છે. એક પ્રસુતિમાં તમામ બાળકો સુરક્ષિત હોવાનો વિશ્વવિક્રમ બની શકે છે.
સાત બાળકોના સંભવિત જન્મના માલીના લોકો પણ રોમાંચિત હતા. માલીના પ્રેસિડન્ટ બાહ એનડોએ આ મહિલાની યોગ્ય સારવાર થાય તે માટે તેને મોરોક્કો મોકલી હતી. માલીના આરોગ્ય પ્રધાન ફાન્ટા સિબીએ આ ન્યૂઝ જારી કર્યા હતા. હલિમાએ માલીની રાજધાની બમાકોની હોસ્પિટલમાં બે સપ્તાહ સુધી હતી અને બાદમાં તેને 20 માર્ચે મોરોક્કોની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી અને ત્યાં તે છ સપ્તાહ સુધી રહી હતી અને 5 મેના રોજ તેણે નવ બાળકોને જન્મ આપ્યો હોવાનું કહેવાય છે.
હલિમાએ એક સાથે નવ બાળકોને જન્મ આપ્યો છે જે કદાચ નવો વર્લ્ડ રેકોર્ડ થઈ શકે છે. અગાઉ એક મહિલાએ એકસાથે આઠ બાળકોને જન્મ આપ્યો હતો. 2009માં ‘ઓક્ટોમમ’ નાદિયા સુલેમાને એક સાથે આઠ બાળકોને જન્મ આપ્યો હતો. આઠેય બાળકો તંદુરસ્ત હતા. જોકે, હવે આ રેકોર્ડ હલિમાના નામે થઈ જશે.
એક મહિલાએ એક સાથે નવ બાળકોને જન્મ આપ્યો હોવાની પ્રથમ ઘટના 1970ના દાયકામાં સિડનીમાં બની હતી. જોકે, તે નવમાંથી એક પણ બાળક બચી શક્યું ન હતું. જ્યારે 26 માર્ચ 1999મા મલેશિયાની ઝુરિના મેટ સાદે પણ એક સાથે નવ બાળકોને જન્મ આપ્યો હતો. જોકે, તેના પણ તમામ બાળકો બચી શક્યા ન હતા.
