મહારાષ્ટ્રના 2008ના માલેગાંવ બ્લાસ્ટ કેસમાં નવો વળાંક આવ્યો છે. આ કેસના એક સાક્ષીએ મંગળવારે કોર્ટમાં દાવો કર્યો હતો કે આ કેસમાં ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ અને આરએસએસના બીજા ચાર નેતાઓના નામ આપવા માટે એટીએસએ તેમને ધમકી આપી હતી.
ઉલ્લેખનીય છે કે આ બ્લાસ્ટ કેસની તપાસ થઈ ત્યારે પરમવીર સિંહ એટીસીના એડિશન કમિશનર હતા. મુંબઈના ભૂતપૂર્વ પોલીસ કમિશનર પરમવીર હાલમાં ખંડણીના સંખ્યાબંધ કેસોનો સામનો કરી રહ્યાં છે.
સાક્ષીએ મંગળવારે સ્પેશ્યલ NIA કોર્ટમાં જુબાની આપી હતી. આ કેસની તપાસ દરમિયાન એટીએસએ સાક્ષીનું નિવેદન રેકોર્ડ કર્યું હતું. આ પછી આ કેસ નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA)) પાસે આવ્યો હતો.
મંગળવારે જુબાની દરમિયાન સાક્ષીએ કોર્ટમાં જણાવ્યું હતું કે સિનિયર એટીએસ ઓફિસર પરમવીર સિંહ અને બીજા એક ઓફિસરે યોગી અને ઇન્દ્રેશ કુમાર સહિત આરએસએસના ચાર નેતાઓના નામ આપવાનું દબાણ કર્યું હતું. એટીએસે તેમના ત્રાસ ગુજાર્યો હતો અને ગેરકાયદે એટીએસ ઓફિસમાં ગોંધી રાખ્યો હતો.
આ કેસમાં આશરે 220 સાક્ષીઓની તપાસ કરવામાં આવી છે અને તેમાંથી 15 સાક્ષીઓ ફરી ગયા છે.29 સપ્ટેમ્બર 2008ના રોજ નાશિક જિલ્લાના માલેગાંવની એક મસ્જિદ નજીક થયેલા ધડાકામાં છ લોકોના મોત થયા હતા અને આશરે 100 લોકો ઘાયલ થયા હતા. આ કેસના આરોપીઓમાં લોકસભાના સાંસદ પ્રજ્ઞા ઠાકુર, લેફ્ટનન્ટ કર્નલ પ્રસાદ પુરોહિત, શુદાકાર દ્રિવેદી, મેજર રમેશ ઉપાધ્યાય (નિવૃત), અરજ રાહિરકર વગેરેનો સમાવેશ થાય છે. આ તમામ આરોપીએ હાલમાં જામીન પર છે.