વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને માલદિવ્સના પ્રેસિડન્ટ ઈબ્રાહીમ મહંમદ સોલિહ વચ્ચે મંગળવારે યોજાયેલી શિખર બેઠક બાદ બંને દેશોએ છ સમજૂતી પર હસ્તાક્ષર થયા હતા. બંને દેશોની વચ્ચે કેપેસિટી બિલ્ડિંગ, સાયબર સુરક્ષા, ગૃહનિર્માણ, આપત્તિ વ્યવસ્થાપન અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં સહયોગ વધારવા માટે સમજૂતીઓ થઈ હતી.
મોદીએ જણાવ્યું હતું કે માલદિવ્સની કોઇ પણ જરૂરિયાત કે કટોકટીના સમયે ભારત સૌ પ્રથમ સહાય આપે છે અને આપતો રહેશે. આ વાટાઘાટો બાદ વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે માલદીવને 100 મિલિયન અમેરિકી ડોલરની વધારાની ક્રેડિટ સુવિધા પ્રદાન કરવાનો નિર્ણય લીધો છે, જેથી તમામ યોજનાઓને યોગ્ય સમયે પૂરી કરી શકાય.
મોદીએ કહ્યું કે બંને દેશોની વચ્ચે મૈત્રીપૂર્ણ સંબંધોમાં નવો જોશ આવ્યો છે અને સંબંધો ગાઢ બન્યા છે. કોવિડ મહામારીથી ઉત્પન્ન પડકારો છતાં આપણી વચ્ચેનો સહયોગ વ્યાપક ભાગીદારીનુ રૂપ લઈ રહ્યો છે. હિંદ મહાસાગરમાં આંતરરાષ્ટ્રીય અપરાધ, આતંકવાદ અને માદક પદાર્થોની તસ્કરીનુ જોખમ ગંભીર છે. શાંતિ માટે ભારત-માલદીવની વચ્ચે ઘનિષ્ઠ સંબંધ મહત્વપૂર્ણ છે.
માલદીવના પ્રેસિડન્ટ સોલિહએ જણાવ્યું હતું કે આપણે આતંકવાદ સામે લડવા દ્રઢ પ્રતિબદ્ધતાનો પુનરુચ્ચાર કરીએ છીએ. માલદીવ ભારતનો સાચો મિત્ર રહેશે. માલદીવના પ્રેસિડન્ટ એક ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળ સાથે ચાર દિવસના ભારત પ્રવાસ માટે સોમવારે દિલ્હી પહોંચ્યા હતા.