પારસી ધર્મનું પ્રતિનિધિત્વ કરતા શ્રી માલ્કમ ડેબૂએ જણાવ્યું હતું કે ‘’સ્વર્ગસ્થ રાણીના અંતિમ સંસ્કાર માટે આમંત્રિત થયા બાદ રાજ્યાભિષેક માટે આમંત્રિત થવું એ એક વિશેષાધિકાર અને સન્માનની વાત હતી. મારા ધાર્મિક સમુદાયના પ્રતિનિધિ તરીકે જીવનકાળની બે ઐતિહાસિક ઘટનાઓનો સાક્ષી બન્યો તે મારી આસ્થા અને સમગ્ર દેશની સેવાની બાબત છે. 90 ના દાયકાની શરૂઆતમાં, રાજા ચાર્લ્સે કહ્યું હતું કે તેઓ તમામ ધર્મોના રક્ષક બનવા માંગે છે અને વાસ્તવમાં તે ઝોરાસ્ટ્રિયનોના પણ રક્ષક બનવા માંગે છે. ચર્ચ ઓફ ઈંગ્લેન્ડના વડા તરીકે તેમનો રાજ્યાભિષેક ખ્રિસ્તી સર્વિસ હોવા છતાં સમગ્ર યુકેના તમામ ધર્મોને સમાવિષ્ટ કરાયા હતા.’’
તેમણે કહ્યું હતું કે ‘’રાજાએ આ પ્રસંગ દ્વારા બતાવ્યું છે કે તેઓ લોકોને એક સાથે લાવી શકે છે. ઝોરોસ્ટ્રિયન એક નાનો સમુદાય છીએ. વિશ્વનો કયો દેશ અમારા જેવા નાનકડા ધર્મને આવા પ્રસંગોએ હાજર રહેવા દેશે? અમારા સમુદાયની મોટી વસ્તી છે તેવા ભારત, ઈરાન, પાકિસ્તાન કે બાંગ્લાદેશ પણ નહીં. આમાંના કેટલાક દેશોમાં અમારી સાથે બીજા, ત્રીજા વર્ગના નાગરિકોની જેમ વર્તન થાય છે. જ્યારે ભારતના રાષ્ટ્રપતિ અથવા વડા પ્રધાનનો કે યુનાઇટેડ સ્ટેટ્સમાં રાષ્ટ્રપતિનો શપથવિધિ સમારોહ થાય ત્યારે અમે ત્યાં હોઇએ છીએ? ના, પણ અમને અહીં બ્રિટનમાં સ્થાન મળે છે.