કોરોનાવાયરસ રોગચાળાને ફેલાતો અટકાવવા માટે વેક્સીન શોધનાર ઓક્સફર્ડ ઇન્સ્ટિટ્યૂટની મેલેરિયા સામેની રસી 77 ટકા અસરકારક હોવાનું ટેસ્ટમાં જણાયું છે. જેને કારણે આ રસી મેલેરિયાના ચેપને હરાવવામાં ગેમ ચેન્જર સાબિત થઇ શકે છે.
450 બાળકોના ક્લિનિકલ ટ્રાયલ્સનો નવો અભ્યાસ પ્રકાશિત કરવામાં આવ્યો છે. જો સલામતીની ખાતરી આપવામાં આવે, તો આરોગ્ય અધિકારીઓના મતે આ રસી મેલેરિયાના રોગને દૂર કરવામાં મુખ્ય હથિયાર બનશે. મેલેરિયાના કારણે વિશ્વમાં વર્ષે અડધા મિલિયન લોકોના મૃત્યુ થાય છે જેમાનાં મોટા ભાગના લોકો બાળકો છે.
ઑક્સફર્ડના જેનર ઇન્સ્ટિટ્યૂટના ડિરેક્ટર એડ્રિયન હિલે કહ્યું હતું કે ‘’આ રસીના પરિણામો રોમાંચક છે. દાયકાઓના સંશોધન છતાં મલેરિયા સામે માત્ર એક જ રસી છે અને તે લગભગ 36 ટકા અસરકારક છે. હિતાવહ છે કે રેગ્યુલેટર્સ રસીને જલદીથી મંજૂરી આપે જે જાહેર આરોગ્યની કટોકટી છે.’’
વિશ્વના સૌથી મોટા રસી ઉત્પાદક, ભારતની સીરમ ઇન્સ્ટિટ્યૂટ તરફથી દર વર્ષે રસીના 200 મિલિયન ડોઝ બનાવવાની ખાતરી આપવામાં આવી છે જેનો દર માત્ર £2 પ્રતિ ડોઝ રહેશે.