ફિલ્મ, મોડેલીંગ, ડાન્સર અને રિયાલિટી ટીવી શો જજ જેવા અનેક ક્ષેત્રોમાં પોતાનું નસીબ અજમાવનાર મલાઈકા અરોરાએ હવે વધુ એક ક્ષેત્રમાં પદાર્પણ કરવાની તૈયારી કરી રહી છે. મલાઈકા હવે લેખિકા બનવાની છે અને તેણે તેના પ્રથમ પુસ્તક વિશે વાત કરી છે. મલાઈકાએ કહ્યું હતું કે, આ પુસ્તક ન્યૂટ્રિશન વિષય પર હશે અને તેમાં વેલનેસ માટે ટિપ્સ અપાશે.

ઘણા લોકો માટે મલાઇકા વર્ષોથી ફિટનેસ આઇકોન છે. સોશિયલ મીડિયા પર તેના વર્કઆઉટ કરતાં ફોટોગ્રાફ્સ-વીડિયો ઝડપથી વાઈરલ થાય છે. મલાઈકાના ફિટનેસ રૂટિન વિશે જાણવા ફેન્સ હંમેશા ઉત્સુક રહે છે અને તેથી જ મોટી ફિટનેસ બ્રાન્ડ-પ્રોજેક્ટ્સ મલાઈકા સાથે જોડાતી હોય છે. મલાઈકા યોગા સ્ટુડિયો પણ ચલાવે છે અને ડેઈલી યોગા પ્રેક્ટિસ પણ કરે છે. આ પુસ્તકમાં મલાઈકા પોતાના ડેઈલી ફૂડ વિશે વાત કરશે. આ ઉપરાંત મહત્ત્વના ફૂડ ટોપિક્સ ડિસ્કસ કરશે. ખોરાક અને તેની મદદથી સ્વસ્થ રહેવાની સાથે કુપોષણનો ભોગ નહીં બનવા માટેની સમગ્ર પ્રક્રિયા મલાઈકા રજૂ કરશે. ફિટનેસના લક્ષ્યાંકોને સિદ્ધ કરવામાં ફૂડ હેબિટની મદદ અંગે મલાઈકા વાત કરશે. પુસ્તક લખવાના પોતાના નિર્ણય અંગે મલાઈકાએ જણાવ્યું હતું કે, અંદરથી અને બહારથી સ્વસ્થ રહેવા બાબતે બૂકમાં વાત થશે. આ વિષય પર ખૂબ ઓછી જ વાત થઈ છે. 2021માં મલાઈકાએ ડિલીવીરી-ઓનલી ફૂડ સર્વિસ શરૂ કરી હતી, જેનું મેન્યુ મલાઈકાએ પોતે તૈયાર કર્યું હતું.