અમેરિકામાં તાજેતરમાં બે રાજકીય પત્રકારો દ્વારા લિખિત નવા પુસ્તકમાં કેટલાક ચોંકવાનારા ખુલાસા થયા છે. આ પુસ્તકમાં જણાવ્યા મુજબ, ભૂતપૂર્વ પ્રેસિડેન્ટ જો બાઇડેન તેમની ઉંમર છુપાવવા માટે નિયમિત મેકઅપ કરાવતા હતા. તો બીજી તરફ બાઇડેન જો તેમના કાર્યકાળ દરમિયાન મૃત્યુ પામે તો કમલા હેરિસની ટીમે તેના માટે એક ખાસ વ્યૂહરચના પણ ગોઠવી રાખી હતી. આ ખુલાસો ધ હિલના પત્રકાર એમી પારનેસ અને એનબીસી ન્યૂઝના જોનાથન એલન દ્વારા લિખિત નવા પુસ્તક “ફાઇટ: ઇનસાઇડ ધ વાઇલ્ડેસ્ટ બેટલ ફોર ધ વ્હાઇટ હાઉસ” ના કેટલાક મુદ્દાઓમાંથી જાહેર થયો છે.
ધ હિલ દ્વારા સમીક્ષા કરાયેલા પુસ્તકના મુદ્દા મુજબ, બાઇડેન મુસાફરી દરમિયાન અને વધતી ઉંમરને છુપાવવા માટે સહયોગીઓ સાથે વાત કરવા માટે ઝૂમ કોલ કરે તે અગાઉ નિયમિત મેકઅપ કરાવતા હતા. પારનેસ અને એલને વધુમાં લખ્યું હતું કે, કમલા હેરિસના સહયોગીઓએ પણ જો બાઇડેનનું સત્તા દરમિયાન મૃત્યુ થાય તો તેના માટે આકસ્મિક યોજનાઓ વિચારી રાખી હતી. તેમાં રીપબ્લિકન ન્યાયમૂર્તિઓની સ્પ્રેડશીટનો સમાવેશ કરાયો હતો, જેમની નિમણૂક ડોનાલ્ડ ટ્રમ્પે કરી નહોતી. આ રીતે, જો હેરિસને ટૂંકી નોટિસના આધારે પ્રેસિડેન્ટ પદના શપથ લેવાની જરૂર પડે તો તે એવા ન્યાયમૂર્તિ દ્વારા કરી શકાય છે જે ટ્રમ્પના સમર્થક નથી પરંતુ રીપબ્લિકન હજુ પણ તેમને વિશ્વસનીય માને છે. જોકે, હેરિસને આ સ્પ્રેડશીટ અંગે જાણ નહોતી. પરંતુ, આ શીટ બનાવનાર એક સહયોગીએ જાન્યુઆરી 2023માં ત્યાંથી વિદાય લીધી હતી અને તેમણે ત્યારે તેમના સાથીઓને સૂચના આપી હતી કે, બાઇડેન જો મૃત્યુ પામે તો તરત જ તેમનો સંપર્ક કરે કારણ કે તેમની પાસે એક વ્યૂહરચના તૈયાર હતી.
