અમેરિકાની ઇમિગ્રેશન સિસ્ટમ અત્યાધુનિક કરવાની જરૂર છે ત્યારે યુએસ કોંગ્રેસમાં બહુમતી ધરાવતા રીપબ્લિકનોએ તેનો રાજકીય સ્ટંટ અથવા રાજકીય સાધન તરીકે ઉપયોગ ન કરવો જોઈએ, એમ વ્હાઇટ હાઉસના સેક્રેટરી કેરિન જીન પિયરેએ સોમવારે તેમની દૈનિક પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું.
તેમણે જણાવ્યું હતું કે વિપક્ષ રીપબ્લિકન પાર્ટીને ઇમિગ્રેશનનો મુદ્દો ઉકેલવામાં જરા પણ રસ નથી. અત્યાર સુધી તેણે ડ્રીમર્સ અને કૃષિ કામદારોને કેવી રીતે સુરક્ષા પૂરી પાડવી તે માટે વાતચીત કરવા પણ કોઈ રસ નથી દર્શાવ્યો. આના પરથી જ આ મુદ્દે તેઓ કેટલા ગંભીર છે તે દેખાઈ આવે છે.
બાઈડેન અમેરિકાના પ્રેસિડેન્ટ બન્યા તેના પ્રથમ દિવસે જ તેમણે વ્યાપક ઇમિગ્રેશન કાયદો રજૂ કર્યો. તેઓ સમજી ગયા હતા કે ઇમિગ્રેશન સિસ્ટમ લગભગ તૂટી ગઈ છે, તેને અત્યાધુનિક બનાવવાની જરૂર છે. તેમણે જણાવ્યું હતું કે ઇમિગ્રેશન સિસ્ટમમાં અમે માનવીય અભિગમ દાખવીએ છીએ. આપણે અમેરિકાની મેક્સિકો સાથેની સ્થિતિ જોઈએ છીએ, ફક્ત વાડ બાંધવાથી કામ પૂરુ નહી થાય. ઇમિગ્રેશન પ્રણાલિ પણ અસરકારક બનાવવી પડશે.
તેમણે કહ્યું કે રીપબ્લિકન્સે ઇમિગ્રેશન સિસ્ટમનો રાજકીય સ્ટંટ અને રાજકીય સાધન તરીકે ઉપયોગ કરવાનું જારી રાખ્યું છે. તેઓ અમેરિકાની વાસ્તવિક જરૂરિયાતો જ સમજતા નથી. તેઓને ખબર જ નથી કે આપણને વધુને વધુ ઇમિગ્રેશન ન્યાયાધીશો અને આશ્રય અધિકારીઓની જરૂર છે. સરહદી સુરક્ષા માટે વધારે ભંડોળની જરૂર છે. અમે આ બધી બાબત કાયદામાં મુકી છે અને આ મોરચે પ્રગતિ સાધી છે. તેઓ આ મુદ્દે રાજકીય સ્ટંટ સિવાય બીજું કશું કરવા માંગતા નથી. તેમના રાજ્યોના દેશભરના ગવર્નરો અને મેયરો પણ આ પ્રકારનો રાજકીય સ્ટન્ટ જ કરી રહ્યા છે, એમ તેમણે કાયદાકીય ઇમિગ્રેશન પર વ્યાપક ઇમિગ્રેશન સુધારા અંગેના પ્રશ્નનો જવાબ આપતા આક્ષેપ કર્યો હતો.
તત્કાલિન પ્રેસિડેન્ટ બરાક ઓબામાએ 2012 DACA (ડિફર્ડ એકશન ફોર ચાઇલ્ડહૂડ એરાઇવલ્સ) પહેલ શરૂ કરી હતી, તેનો હેતુ માતાપિતા દ્વારા ગેરકાયદે રીતે અમેરિકામાં બાળકોને લાવવામાં આવ્યા હોય તો તેમનું દેશનિકાલ સામે રક્ષણ કરવાનો હતો. તેઓને કાયદેસર રીતે કામ કરવા માટે મંજૂરી આપવામાં આવી હતી. આમ આ નીતિ બાળપણમાં ગેરકાયદે અમેરિકા લાવવામાં આવેલા બાળકો યુવાન થાય ત્યારે તેમને કાયદેસર રીતે કામ કરવા મંજૂરી આપે છે. તેમને ડ્રીમર્સ તરીકે ઓળખવામાં આવે છે. આ પ્રોગ્રામ તેમને અધિકૃત કાનૂની દરજ્જો કે નાગરિકત્વનો માર્ગ આપતો નથી, પરંતુ તે કેટલીક જગ્યાએ અરજી કરવાની મંજૂરી આપે છે.
યુએસ સિટિઝનશિપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસીસ મુજબ ગયા વર્ષના અંતે અંદાજે 5,80,000 લોકો હજી પણ DACAમાં નોંધાયેલા હતા. 2021માં યુએસ હાઉસ ઓફ રીપ્રેઝન્ટેટિવ્સે ડ્રીમર્સનું હુલામણુ નામ ધરાવતા ઇમિગ્રન્ટ્સ તેમજ મોટી સંખ્યામાં ઇમિગ્રન્ટ ફાર્મ વર્કર્સ માટે નાગરિકત્વનો માર્ગ પૂરો પાડતા બિલો પસાર કર્યા હતા.