કેન્દ્રમાં સત્તાધારી ભાજપે બુધવારે તેના સંસદીય બોર્ડમાં ધરખમ ફેરફાર કર્યા હતા. કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરી તથા મધ્ય પ્રદેશના મુખ્યપ્રધાન શિવરાજસિંહ ચૌહાણને સંસદીય બોર્ડમાંથી દૂર કરી દેવામાં આવ્યા છે, જ્યારે કર્ણાટકના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન બીએસ યેદિયુરપ્પા, સુધા યાદવ, ઈકબાલ સિંહ લાલપુરા, સર્બાનંદ સોનોવાલ, કે. લક્ષ્ણને નવા સભ્ય તરીકે સંસદીય બોર્ડમાં સ્થાન આપવામાં આવ્યું છે. ભાજપનું સંસદીય બોર્ડ તેની સર્વોચ્ચ નિર્ણયકર્તા સંસ્થા છે. તે રાજ્યના મુખ્યપ્રધાન, રાજ્ય ભાજપના વડા જેવા મહત્ત્વના નિર્ણયો કરે છે.
ઉત્તરપ્રદેશમાં બીજી વખત ભાજપના વિજયમાં મુખ્ય ભૂમિકા ભજવનારા ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથનો સંસદીય બોર્ડમાં સમાવેશ કરવામાં આવ્યો નથી.પાર્ટીના ભૂતપૂર્વ અધ્યક્ષ નિતિન ગડકરીને પાર્ટીની સૌથી શક્તિશાળી બોડીમાંથી બહારનો રસ્તો દેખાડી દેવાયો છે. તેમને ભાજપની ચૂંટણી સમિતિમાંથી પણ દૂર કરવામાં આવ્યા છે. ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિમાંથી શિવરાજ સિંહ ચૌહાણ, ગડકરી તથા શાહનવાજ હુસૈનને દૂર કરવામાં આવ્યા છે. જ્યારે ભાજપના પ્રમુખ જેપી નડ્ડા તે સમિતિના અધ્યક્ષ ગણાશે.