ડો. યુવા અય્‍યર આયુર્વેદિક ફિઝિ‌શિયન

અમૂલ્ય રત્નો સમાન આંખની જાળવણી શા માટે કરવી જોઇએ તે સહુ કોઇ જાણે છે. શરીરને બહારના વાતાવરણથી અવગત કરાવવાનું કામ કરતી પાંચ જ્ઞાનેન્દ્રિયોમાં આંખ ખૂબ જ મહત્વપૂર્ણ કામ કરે છે. આથી જ આંખને જ્યોતિ, તેજ જેવા ઉપનામ આપવામાં આવ્યા છે. શરીરમાં થતી વિવિધ દેહધાર્મિક ક્રિયાઓ યોગ્ય રીતે થાય તે આરોગ્ય માટે જરૂરી છે. શરીરના દરેકે દરેક અંગો, નાનામાં નાના કોષોને જીવંતતા ટકાવી રાખવા માટે પોષણની આવશ્યકતા હોય છે. કોષોના પોષણ માટે જે જૈવરાસાયણિક ક્રિયાઓ ચાલે છે તેનો મુખ્ય આધાર આપણા રોજ-બ-રોજના ખોરાક અને જીવનશૈલી – લાઇફસ્ટાઇલ પર રહેલો છે. આ સ્પષ્ટતા કરવાનું કારણ એ છે કે, આંખનું તેજ, આંખની જોવાની શક્તિને જો જાળવી રાખવા માંગતા હોઇએ તો કોઇ મોટી ચમત્કારિક ઔષધની અપેક્ષા રાખવાને બદલે આંખનું પોષણ અને રક્ષણ કરે તેવા ખોરાક – પીણાં, ઉપાયો વિશે જાણવું જોઇએ. માહિતી મેળવ્યા બાદ તે રોજ-બ-રોજના જીવનમાં વણાઇ જાય તે રીતે સૂચનોનું પાલન સતત કરતાં રહેવું જોઇએ. આંખનું તેજ વધારે તેવા પદાર્થોના જ્યૂસ, શાક, પીણાનો ઉપયોગ અમુક સમય સુધી કરી અને પછી તેનો પ્રયોગ સદંતર બંધ કરવો નહીં.

આંખની શક્તિ વધારે તેવા ઘરગથ્થુ ઉપચાર દરેક જ્ઞાનેન્દ્રિયોની ઉત્પત્તિ – બનાવટમાં પાંચ મહાભૂત પૈકી કોઇ એક મહાભૂત વિશેષ જવાબદાર હોય છે. પૃથ્વી, જલ, તેજ, વાયુ અને આકાશ આવા પાંચ મહાભૂતથી દરેક જ્ઞાનેન્દ્રિયો બનેલી છે. ચક્ષુરેન્દ્રિય – આંખમાં ‘તેજ’ મહાભૂત વિશેષ હોય છે. આથી જ એવા ઉપાયો અને ખોરાક જે શરીરમાં રહેલાં આગ્નેય ભાવને, પિત્તને વધારે તે આંખને, આંખની શક્તિને નુકશાન કરે છે. આંખના તેજને જાળવે તેવા ઔષધોનં પણ આયુર્વેદમાં વર્ણન છે. ખૂબ સરળતાથી બનાવી શકાય તેવા આંખને ફાયદો કરે તેવા પીણાં અને ઔષધમાં ત્રિફળા મોખરે છે.

ત્રિફળા 1.ટેબલ સ્પૂન ત્રિફળાચૂર્ણ 1 કપ પાણીમાં રાતભર પલાળવું, સવારે આ પાણીને ગળીને આંખ પર છાલક મારવી. આ દરમિયાન મોંમાં પાણી ભરી રાખવું જેથી આંખ પહોળી થઇ શકે. અશક્ત વ્યક્તિઓ, નાના બાળકોને આંખ બંધ કરી પોપચાં પર રૂનાં પોલને ત્રિફળાના પાણીમાં બોળીને મૂકી શકાય. નિયમિત ત્રિફળાચૂર્ણ 1થી 3 ગ્રામ પ્રમાણમાં પાણી સાથે નરણાં કોઠે પીવાથી પણ આંખને ફાયદો થાય છે.

બદામ પરિયાળીનું પીણું બદામ, વરિયાળી અને ખડી સાકર સરખા પ્રમાણમાં લઇ તેનું ચૂર્ણ બનાવી દેવું. આ ચૂર્ણ 1 ટેબલ સ્પૂન 1 કપ ગાયના દૂધમાં ભેળવી દિવસમાં એક વખત પીવું. આ દૂધ પીણા બાદ 1 1/2 2 કલાક સુધી પાણી પીવું નહીં. આ પ્રયોગ ડાયાબિટિસના રોગીઓએ તેમના બ્લડશુગર લેવલ તથા અન્ય ખોરાકને ધ્યાનમાં રાખી સાકર કેચલા પ્રમાણમાં લેવી કે ન લેવી તે માટે માર્ગદર્શન મેળવી લેવું, પરંતુ જેઓને ડાયાબિટિસમાં બ્લડશુગર લેવલ ફ્લકચ્યુએટ થતું રહેતું હોય, અન્ય કારણસર ડાયાબિટીસની આડઅસરને કારણે આંખ નબળી પડી હોય તેઓ ત્રિફળા તથા અન્ય ઉપાયો નિયમિત કરી શકે છે. નાનાં બાળકોને ચશ્મા આવ્યા હોય, નંબર સતત વધતા હોય તેવા બાળકોને દૂધ સાથે બદામ, વરિયાળી અને સાકરનો પાવડર, નિયમિત આપવાથી નંબર ઉતરે છે. કોમ્પ્યુટર પર સતત કામ કરતાં લોકો, નંબર સતત વધતા તડકાને કારણે, પિત્ત પ્રકૃતિનાં લોકોને આંખ લાલ રહેતી હોય, આંખમાં સતત પાણી આવતું હોય, આંખ થાકી જતી હોય તેઓએ બદામ – પરિયાળી – સાકરવાળું દૂધ નિયમિત પીવું જોઇએ.

આંખને ફાયદો કરે તેવા જ્યૂસ ગાજર, પાકું પપૈયું, દૂધી, પાલક, કોળું, આંબળા કોઇનો પણ જ્યૂસ અથવા આ દરેકના જ્યૂસ સમયાંતરે પીવાથી આંખનું આરોગ્ય જળવાય છે. અલગ – અલગ પદાર્થમાં રહેલાં વિવિધ પોષક તત્વો થોડા વધુ – ઓછા પ્રમાણમાં હોય છે. પરંતુ ખોરાકમાં તેમનો સમાવેશ કરી, નિયમિત ઉપયોગ કરવાથી વિવિધ પોષકતત્વો મળવાથી આંખને ફાયદો થાય છે. ઘઉંના જ્વારાનો તાજો બનાવેલો જ્યૂસ થોડું મધ ઉમેરી ઘૂંટડે-ઘૂંટડે મોંમાં રહેલી લાળ સાથે ભળે તે રીતે પીવો, જ્વારાનો રસ બને ત્યાં સુધી સવારે બ્રેકફાસ્ટ પહેલા અડધો કપ જેટલો લઇ શકાય. ખોરાકમાં દૂધ, ઘી, માખણ, લીલા શાકભાજી, ફળો કઠોળનો નિયમિત ઉપયોગ કરવો.

અહીં બતાવ્યા પૈકી કોઇ પણ પ્રયોગ નિયમિત કરવા સાથે આટલી સાવચેતીનું પાલન કરો

વધુ પ્રકાશ અથવા જરૂર કરતાં ઓછા પ્રકાશમાં વાંચવું, લખવું, જોવાની પ્રવૃત્તિ કરવાનું ટાળવું.
સતત ચળકતા મોબાઇલ, કોમ્પ્યુટરનાં સ્ક્રીનનો વપરાશ કર્યા પછી આંખને ધોવી, હાથથી હૂંફ આપવી અથવા થોડો સમય બંધ-ખોલ કરવાથી આંખના જોવાના કામમાં વપરાતાં સ્નાયુઓને આરામ મળે છે.
આંખને નુકશાન કરે તેવા કોસ્મેટિક્સનો ઉપયોગ ન કરવો.
આંખોને ચોળવી નહીં, સ્વચ્છ પાણીની છાલક મારી ધોઇ અને સ્વચ્છ કપડાથી હળવા હાથે લુછવી.
પગના તળીયાની સફાઇ તથા તળીયામાં કાંસાની વાટકીથી ગાયના ઘીનું માલિશ કરવાથી દૃષ્ટિનાડીમાં બળ મળે છે, એવું આયુર્વેદ સૂચવે છે. આથી બહારથી ઘરમાં આવ્યા બાદ, જમવા બેસતાં પહેલાં, સૂતા પહેલાં પાણીથી પગ ધોવાની ભારતીય પરંપરા અપનાવવી અને જાળવી રાખવી.

 

LEAVE A REPLY