ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીની 2022ની પહેલા સુરતના બિઝનેસમેન અને સમાજસેવક મહેશ સવાણી રવિવારે આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદીયાએ સવાણીને ખેસ પહેરાવી પાર્ટીમાં આવકાર્યા હતા.
સુરતમાં પત્રકાર પરિષદમાં આમ આદમી પાર્ટીના વરિષ્ઠ નેતા અને દિલ્હીના નાયબ મુખ્યપ્રધાન મનીષ સિસોદિયાએ જણાવ્યું હતું કે અમે આમ આદમી પાર્ટીમાં મહેશજીને આવકારીએ છીએ. ગુજરાતમાં આપ ઝડપથી આગળ વધી રહી છે.
મહેશ સવાણી ભાજપનો સાથ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાતા સુરતના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. આપ’માં જોડાયા બાદ મહેશ સવાણીએ કહ્યું કે, ‘મેં 51 વર્ષે રાજકારણમાં પ્રવેશ કર્યો છે. મેં નવા ઘરમાં જવાનું પસંદ કર્યું. ગુજરાતનું કામ કરવા રાજકારણમાં આવી રહ્યો છું. મને હેરાન કરશે તેવું પણ અનેક લોકોએ કહ્યું. પણ મેં નક્કી કર્યું છે કે, ભલે મારે જેલમાં જવું પડશે, ભલે બે-બે ગોળી મારી દેશે. મેં નવી જમીન પસંદ કરી છે. ગોળી ખાવાનું પસંદ કરીશ. પણ મને નાના વર્ગની પીડા ખબર છે. સમાજના કામ કરવામાં પણ રાજકારણ આવે છે.’ તેમણે કહ્યું કે, ‘ હું દરેક સમાજ નો છું, સમાજ સેવામાં માનવાવાળો માણસ છું. છેલ્લા બે ત્રણ મહિનામાં જોયું એટલે મેં આ ખુલ્લો પ્લોટ પસંદ કર્યો છે.’
અગાઉ પણ સુરતમાં ભાજપના સંખ્યાબંધ કાર્યકારો તથા પત્રકાર ઈસુદાન ગઢવી આપમાં જોડાયા હતા. આજે સુરતના જાણીતા હીરા ઉદ્યોગપતિ મહેશ સવાણીએ પણ આપની ટોપી પહેરી છે.
મહેશ સવાણી બિઝનેસમેન હોવાની સાથે સાથે અનાથ દીકરીઓના લગ્ન કરાવવા માટે પણ રાજ્યભરમાં જાણીતા છે. આ ઉપરાંત અનેક સેવાકીય કાર્યો કરી રહ્યા છે. વર્ષો પહેલા સૌરાષ્ટ્રથી સુરત આવીને હીરાના વ્યવસાય સાથે જોડાયેલા મહેશ સવાણીના પિતા વલ્લભભાઈ સુરતમાં ‘વલ્લભ ટોપી’ના નામે જાણીતા છે. સુરતમાં હીરાના વ્યવસાયમાંથી રિયલ એસ્ટેટ તરફ વળી વલ્લભભાઈએ અઢળક સફળતા સાથે સારી એવી કમાણી પણ કરી. આજે ડાયમંડ,એજ્યુકેશન, હોસ્પિટલ, રિયલ એસ્ટેટ સહિતના બિઝનેસ ક્ષેત્રે કાર્યરત પી.પી. સવાણી ગ્રૂપનું સંચાલન મહેશ સવાણી કરી રહ્યાં છે