બે યુવાનોની નિષ્ઠુર રીતે ઠંડા કલેજે હત્યા કરવા બદલ દોષીત ઠેરવીને લેસ્ટર ક્રાઉન કોર્ટમાં સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્શીયર – ટિકટોકર મહેક બુખારીને 31 વર્ષથી વધુ સમયની અને તેના માતા અંસરીન બુખારીને 26 વર્ષની જેલ સજા ફટકારી હતી.
લેસ્ટરશાયર પોલીસે જણાવ્યું હતું કે ‘’મોતને ભેટેલા 21 વર્ષના યુવાનો સાકિબ હુસૈન અને મોહમ્મદ હાશિમ ઇજાઝુદ્દીન ગયા વર્ષે 11 ફેબ્રુઆરીની વહેલી સવારે સિક્સ હિલ્સ, લેસ્ટરશાયર નજીક A46 પરથી પસાર થતા હતા ત્યારે તેમની કારનો હાઇ-સ્પીડ પીછો કરીને તેમને ડ્યુઅલ કેરેજવે પરથી ફગાવી દેવાયા હતા. તેમની કાર રોડ સાઇડે આવેલા સેન્ટ્રલ રીઝર્વેશન બેરિયર અને ઝાડ સાથે અથડાઈ હતી.
આ કેસની સુનાવણી બાદ ગયા મહિને, 15 અઠવાડિયાના ટ્રાયલ પછી, અન્સરીન, મહેક, રઈસ જમાલ અને રેકન કારવાનને હુસૈન અને ઇજાઝુદ્દીનની હત્યા માટે દોષી ઠેરવવામાં આવ્યા હતા. જ્યારે સનાફ ગુલામુસ્તફા, અમીર જમાલ અને નતાશા અખ્તરને હત્યાના આરોપમાંથી નિર્દોષ જાહેર કરાયા હતા પરંતુ તેમને હુસૈન અને ઇજાઝુદ્દીનના મેનસ્લોટરના આરોપમાં દોષી ઠેરવવામાં આવ્યા હતા.
રઈસ જમાલ, લિંગડેલ ક્લોઝ, લોફબરોને ઓછામાં ઓછા 31 વર્ષની સજા કરવામાં આવી હતી. રેકન કારવાન, ટોમલિન રોડ, લેસ્ટરને 26 વર્ષ અને 10 મહિનાની સજા કરાઇ હતી. સનાફ ગુલામુસ્તફા, લિટલમોર ક્લોઝ, લેસ્ટરને 14 વર્ષ અને નવ મહિનાની જેલ કરાઇ હતી. અમીર જમાલ, કેથરિન સ્ટ્રીટ, લેસ્ટરને 14 વર્ષ અને આઠ મહિનાની જેલની સજા કરાઇ હતી. નતાશા અખ્તર, એલમ રોક રોડ, બર્મિંગહામને 11 વર્ષ અને આઠ મહિનાની જેલની સજા કરાઇ છે.
હુસૈન અને અન્સરીન પરિણીત હતા અને તેમનું અફેર લગભગ ત્રણ વર્ષ સુધી ચાલ્યું હતું. પરંતુ જ્યારે તેણીએ સંબંધનો અંત લાવવાનો પ્રયાસ કરતાં હુસૈને તે ના પતિને તેમની જાતીય તસવીરો અને વીડિયો શેર કરવાની ધમકી આપી હતી. અન્સરીને હુસૈને તેમના સંબંધ દરમિયાન કરેલા ખર્ચની રકમ પાછા આપવાની ઓફર કરી હતી. માતાના સંબંધથી વાકેફ મહેક અને અન્સરીને હુસૈનને હેમિલ્ટન, લેસ્ટર સ્થિત ટેસ્કોના કાર પાર્કમાં મળવા કહ્યું હતું.
માતા-પુત્રીએ હુસૈન પર હુમલો કરવાની યોજના બનાવી અન્ય છ આરોપીઓ સાથે હુસૈન અને ઇજાઝુદ્દીન પર બે વાહનોમાં જઇ હુમલો કર્યો હતો. જેમાં હુસેન અને ઈજાઝુદ્દીન સ્કોડા કારમાં ભાગ્યા હતા. પરંતુ તેમણે કારનો પીછો કરતા હુસૈનની કાર રોડસાઇડે અથડાઇને બે ભાગમાં વિભાજીત થઈ ગઈ હતી. કારમાં આગ લાગે તે પહેલા બંને પીડિતો બહુવિધ ઇજાઓથી મૃત્યુ થયું હતું. હુસેને પોલીસને 999 ઉપર ફોન કરીને બુકાનીધારી લોકો તેમનો પીછો કરી રહ્યા હોવાની ફરિયાદ પણ ચાલુ કારે કરી હતી.
જજે મહેકની પ્રસિદ્ધિ મેળવવાની ઘેલછાની નિંદા કરી હતી અને આ બધી બાબતોમાં પુત્રીને જોડવાના અન્સરીનના “આપત્તિજનક નિર્ણય”ની ટીકા કરી હતી.
જજે મહેકને કહ્યું હતું કે “ટિકટોક અને ઇન્સ્ટાગ્રામ આ કેસના કેન્દ્રમાં છે અને તેને કારણે જ તું યુનિવર્સિટીમાંથી બહાર થઈ ગઈ હતી. જો તેમ ન કર્યું હોત તો આજે તું યુવાન સ્નાતક બની હોય અને આખું જીવન તારી સાથે હોત. પણ હવે શ્રેષ્ઠ વર્ષો માટે તારી જાતને જેલમાં બંધ કરી છે. પ્રોસિક્યુશને આ કેસને પ્રેમ, જુસ્સો અને છેડતીની વાર્તા તરીકે વર્ગીકૃત કર્યું છે અને તે સાચુ છે.”
મહેકના લગભગ 129,000 જેટલા ફોલોઅર્સ હતા અને બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ્સ દ્વારા રળેલી આવકથી તેણીએ દેશભરમાં પાર્ટીઓ અને પ્રોડક્ટ લોન્ચ ઇવેન્ટ્સથી ભરેલા સક્રિય શેડ્યૂલનો આનંદ માણ્યો હતો. અન્સરીન પણ તેના વિડીયોમાં જોવા મળતી હતી.
જજે નોંધ્યું હતું કે હુસૈન બ્લેકમેલમાં સામેલ હતો પણ ઇજાઝુદ્દીનનો કોઈ દોષ ન હતો. તે તો ફક્ત મિત્ર સાથે ટહેલ કરવા નીકળ્યો હતો અને અજાણતાં જીવલેણ સંજોગોમાં ફસાઇ ગયો હતો.
હુસૈન અને ઇજાઝુદ્દીનને ઘાયલ કર્યા બાદ કોઇએ તેમને મદદ કરી ન હતી અને તેમની ધરપકડ, આરોપ અને કોર્ટમાં ટ્રાયલ દરમિયાન સતત જૂઠાણું ચલાવાયું હતું.