ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી અને કર્ણાટકના ભાજપના સાંસદ અનંત કુમાર હેગડેના નિવેદનથી વિવાદ સર્જાયો છે. અનંત કુમાર હેગડેએ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી પર હુમલો કર્યો છે અને તેમના નેતૃ્ત્વમાં થયેલા સ્વતંત્રતાના આંદોલનને ડ્રામા ગણાવ્યું છે. ભાજપના નેતાએ જણાવ્યું છે કે, તેનાથી ખબર પડે છે કે આવા પ્રકારના લોકોને ભારતમાં મહાત્મા કહેવામાં આવે છે.
શનિવારે બેંગલુરુમાં આયોજીત એક કાર્યક્રમને સંબોધિત કરતા ઉત્તર કન્નડ લોકસભા બેઠકના સાંસદ હેગડેએ જણાવ્યું કે, સમગ્ર સ્વતંત્રતા સંગ્રામ બનાવટી હતો અને તેને અંગ્રેજોનું સમર્થન પ્રાપ્ત હતું. આ કથિત નેતાઓમાંથી એકપણ નેતાએ પોલીસનો માર ખાધો નહતો.
હેગડેએ જણાવ્યું હતું કે, સ્વતંત્રતા સંઘર્ષના આ નેતાઓને બ્રિટિશ નેતાઓનું સમર્થન પ્રાપ્ત હતું. આ વાસ્તવિક સંઘર્ષ હતું નહી. તેમણે ગાંધીજીની ભૂખ હડતાલ અને સત્યાગ્રહના આંદોલનને પણ નાટક ગણાવ્યું હતું.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, કોંગ્રેસનું સમર્થન કરનારા લોકો જણાવે છે કે ભૂખ હડતાલ અને સત્યાગ્રહને કારણે ભારતને આઝાદી મળી. આ વાત સાચી નથી. અંગ્રેજો સત્યાગ્રહને કારણે ભારતમાંથી ગયા નહતા. અંગ્રેજોએ નિરાશ થઈને આપણને આઝાદી આપી હતી. જ્યારે હું ઈતિહાસ વાંચું છું તો મારું લોહી ગરમ થઈ જાય છે. આવા લોકો આપણા દેશમાં મહાત્મા બની જાય છે.