જૂનાગઢમાં ગિરનાર પર્વતની ગોદમાં મંગળવાર, પાંચ માર્ચ ચાર દિવસના મહાશિવરાત્રી મેળાનો પ્રારંભ થયો હતો. ભજન, ભોજન અને ભકિતના ત્રિવેણી સંગમથી યોજાતા આ મેળામાં દેશ-વિદેશમાંથી લાખો ભાવિકો ઉમટી પડ્યાં હતાં. આ મેળો 8 માર્ચ સુધી ચાલુ રહેશે. દેશભરમાંથી આવેલા નાગાસાધુઓએ ગિરનાર તળેટીમાં આવીને પોતાના નિશ્ચિત સ્થાનો પર ધૂણી ધખાવી શિવ આરાધના ઉપાસનામાં લીન થયા હતા. બમ બમ બોલે, જય ગિરનારી અને હર હર મહાદેવના નાદથી ગિરી તળેટી ગુંજી ઉઠી હતી.
“બમ બમ ભોલે નાથ”, “હર હર મહાદેવ” અને “જય જય ગિરનારી” ના નાદ સાથે સવારે નવ વાગ્યે સંતો, મહંતોની ઉપસ્થિતિમાં શાસ્ત્રોક્ત વિધિ સાથે ભવનાથ મંદિર ખાતે નૂતન ધ્વજારોહણ કરાયું હતું. આ મેળામાં દેશભરમાંથી સાધુ સંતો અને નાગા બાવાઓ આવે છે. દર વર્ષે વિદેશીઓ પણ ભવનાથનો મેળો કરવા અહીં આવી પહોંચે છે અને ભવનાથ ક્ષેત્રમાં જાતજાતના સ્ટોલ ઊભા કરાયા છે. ભવનાથમાં પરંપરાગત રવેડી બાદ સાધુ-સંતો વહેલી સવારે મૃગીકુંડમાં સ્નાન કરે છે અને આ સ્નાન બાદ મેળો સંપન્ન થાય છે.
જૂનાગઢના ગીરનાર ક્ષેત્રમાં છેલ્લા ત્રણ દિવસથી ભવનાથમાં પ્લાસ્ટીક પર પ્રતિબંધને પગલે વેપારીઓએ હડતાળ પાડી હતી, જોકે સ્થાનિક ધારાસભ્ય, મેયર અને ભાજપ પ્રમુખની બેઠકમાં આ મુદ્દાનો સુખદ અંત આવ્યો હતો. શિવરાત્રીના મેળા દરમિયાન લાખો ભાવિકો મેળામાં આવતા હોય છે ત્યારે મેળા સમયે વહીવટી તંત્રે પ્લાસ્ટિક પ્રતિબંધનો નિર્ણય કર્યો હતો.