ભારતભરમાંથી આવતા સાધુ સંતો અને નાગા બાવાને પગલે પ્રખ્યાત બનેલા જૂનાગઢના ભવનાથના ચાર દિવસના શિવરાત્રીના પ્રાચીન મેળાનો બુધવારથી પ્રારંભ થયો હતો. મહાશિવરાત્રી મેળામાં લાખો શ્રદ્ધાળુઓ દેશ-વિદેશથી આવતા હોય છે. શિવરાત્રિના મેળા દરમિયાન 2500થી વધુ સુરક્ષાકર્મીઓ સુરક્ષા માટે તૈનાત રહેશે. જૂનાગઢમાં મેળા દરમિયાન 24 કલાક બંદોબસ્ત ગોઠવવામાં આવશે.
આગામી ચાર દિવસ સુધી ભવનાથ તળેટી ખાતે શિવ ઉપાસકો નાગા સંન્યાસીઓ અને દૂર દૂરથી આવતા ભાવિકો આ પવિત્ર મેળાનો લાભ લેશે. અખાડાના મહામંડલેશ્વર હરી ગીરી મહારાજ અને મહામંડલેશ્વરો,ભક્તો, ભવનાથના સાધુ સંતો જૂનાગઢના સત્તાધીશોની ઉપસ્થિતિમાં ભવનાથ મંદિરના હર હર મહાદેવના નાદ સાથે પૂજા અર્ચના કરી વિધિવત ભક્તિમય વાતાવરણ વચ્ચે મેળાને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો.
જૂનાગઢમાં દર વર્ષે મહા વદ નોમથી તેરસ સુધી આ મેળાનું આયોજન કરવામાં આવે છે.ભવનાથ મહાદેવના મંદિરની ધજારોહણ સાથે મેળો શરુ થયો હતો. આ માટેની પૂર્વ તૈયારીઓના ભાગરૂપે ભવનાથ તળેટીમાં સાધુ સંતોનું આગમન થઇ ગયું હતું. મંદિર બાદ ત્રણ અખાડામાં ધ્વજારોહણ કરાયું હતું.. ભવનાથમાં પરંપરાગત રવેડી બાદ સાધુ-સંતોના મૃગીકુંડમાં સ્નાન બાદ મહાશિવરાત્રિ મેળો પૂર્ણ થશે. મહાશિવરાત્રીના કારણે સોમનાથ મંદિર સહિત સમગ્ર સોરઠ પંથકમાં ભક્તિભાવ વાતાવરણ બની રહેશે.
શ્રદ્ધાળુઓને મહાશિવરાત્રીના મેળામાં જુદા-જુદા સ્થળોએથી આવવા માટે 173 મોટી બસ દડોવાશે. આ ઉપરાંત મેળામાં જવા માટે 56 મીની બસ સેવા પણ પ્રારંભ કરવામાં આવી હતી. બસ સેવાનો પ્રારંભ મેયર ગીતાબેન પરમાર અને ધારાસભ્ય સંજયભાઈ કોરડીયા દ્વારા કરવામાં આવ્યો હતો.