ભારતભરમાં શુક્રવાર, આઠ માર્ચે મહાશિવરાત્રીની શ્રદ્ધાપૂર્વ ઉજવણી થઈ હતી. શિવાલયોમાં લાખો ભક્તો, સાધુ-સંતો ઉમટ્યાં હતા અને શિવજીની આરાધન કરી હતી. મહાશિવરાત્રિના પવિત્ર દિવસે દેશના પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિર ખાતે વહેલી સવારથી જ ભક્તોની ભીડ જોવા મળી હતી. સોમનાથ મહાદેવને વિશેષ શૃંગાર સાથે મહામૃત્યુંજય યજ્ઞ સહિતની પૂજા વિધિઓ પણ કરાઈ હતી.
ઉજ્જૈનમાં રાત્રે 2.30 વાગ્યે ભગવાન મહાકાલના કપાટ ખુલ્યા હતાં. ભક્તો માટે 44 કલાક બાબા મહાકાલના દર્શનની સુવિધા કરાઈ હતી. મહાશિવરાત્રિ પર લગભગ 12 લાખ શ્રદ્ધાળુઓ અહીં પહોંચે તેવો અંદાજ હતો.
કાશીના પ્રખ્યાત વારાણસીના વિશ્વનાથ મંદિરને 36 કલાકથી વધુ સમય સુધી સતત ખુલ્લુ રાખવામાં આવ્યું હતું. કાશીમાં બાબા ભોળાનાથના આશરે 10 લાખ ભક્તો દર્શન કરે તેવી અપેક્ષા હતી. શિવ વિવાહ નિમિત્તે કાશીમાં બાબા વિશ્વનાથની ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી. ભસ્મ લગાવાયેલા શિવ ગણ (ભૂત, પિશાચ, તાલ-બેતાલ, સપેરા), નરમુંડ સાથે કાલી, ગડારી, સાધુ-સંન્યાસી અને જાદુગરોની ટોળીએ નૃત્ય કર્યું હતું.
જૂનાગઢમાં મહાશિવરાત્રીએ ભવનાથના મેળાની સમાપ્તિ થઈ હતી. ભવનાથમાં શિવભક્તોની ભારે ભીડ ઉમટી હતી. ‘જય ગિરનારી’ના નાદ સાથે રાત્રે સાધુ-સંતોની રવાડી કાઢી હતી અને શરીરે ભસ્મ લગાડી મૃગી કુંડમાં સ્નાન કર્યું હતું. નાગા બાવાઓના શાહી સ્નાન સાથે મેળો પૂર્ણ થયો હતો.
રાજકોટના દરેક શિવાલયોમાં ભક્તોની ભીડ જોવા મળી રહી હતી. અને લોકો હર હર મહાદેવનો નાદ પોકારી રહ્યા હતાં. વર્ષો જૂના પૌરાણિક અને રાજકોટવાસીઓની આસ્થાના પ્રતિક સમાન સ્વયંભૂ રામનાથ મંદિરમાં તો રાત્રિના સમયથી જ ભક્તોની ભીડ જોવા મળી હતી અને લોકોએ મહાઆરતીનો પણ લાભ લીધો હતો. રામનાથ મંદિરને આકર્ષક લાઈટોનો અદભૂત શણગાર કરવામાં આવ્યો હતો અને 12 વાગ્યે આતશબાજી કરવામાં આવી હતી.
સોમનાથ મંદિરમાં મહાશિવરાત્રિએ ભક્તોનું ઘોડાપૂર ઉમટયું હતું. આ મંદિરને 42 કલાક સુધી ખુલ્લું રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. મહાશિવરાત્રિ પહેલા સોમનાથ મંદિર ટ્રસ્ટે જાહેરાત કરી છે કે, શુક્રવાર ને 8 માર્ચે વહેલી સવારથી મંદિર ખુલશે અને 42 કલાક સુધી ખુલ્લા રહેશે. ભક્તો પરોઢિયે 4 વાગ્યાથી મંદિરમાં પહોંચીને પૂજા-અર્ચના કરી શકશે. મંદિરમાં સવારે 7 કલાકે આરતી કરવામાં આવી હતી અને સવારે 8.30 કલાકે નવી ધજા ચડાવવામાં આવી હતી. મંદિર પરિસરમાં સોમનાથ મહાદેવની પાલખી યાત્રા કાઢવામાં આવી હતી. મહાશિવરાત્રિની સાંજે 6.30 કલાકે જયતું સોમનાથ સંગીત નાટિકા ગાયક હેમંત જોષી અને 100થી વધુ કલાકારો દ્વારા પ્રસ્તુત કરવામાં આવ્યું હતું.
ભોળાનાથને બીલીપત્ર અર્પણ કરવાનું વિશેષ મહત્વ રહેલું છે. ત્યારે ભાવિકો સોમનાથ મહાદેવને કરવામાં આવતી બિલ્વ પૂજાનો લાભ લઈ શકે તે માટે સોમનાથ ટ્રસ્ટે ફરી એકવાર 25 રૂપિયામાં બિલ્વ પૂજા સેવા શરૂ કરી હતી.