ગુજરાતના શિવાલયો મંગળવાર, પહેલી માર્ચની વહેલી સવારથી ‘બમ બમ ભોલે…’, ‘હર હર મહાદેવ…’ ના ભક્તોના નાદ સાથે ગૂંજી ઉઠ્યા હતા. શિવભક્તો બીલીપત્ર તેમજ દૂધનો અભિષેક કરી શિવજીને રીઝવવા પ્રયત્ન કર્યો હતો. જ્યોર્તિલિંગ સોમનાથ મંદિરમાં રવિવારથી જ ભક્તોનું આગમન શરુ થઇ ગયું હતું.
મહાશિવરાત્રિના પર્વ નિમિત્તે સવારે ૪ થી લઇને સતત ૪૨ કલાક સોમનાથ મંદિરના દ્વાર ભક્તો માટે ખુલ્લા રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. ચાર પ્રહરની વિશેષ પૂજા-આરતી, પાલખીયાત્રા, ધ્વજારોહણના આયોજનમાં ઉપસ્થિત રહીને ભક્તો શિવમય બન્યા હતા. સવારે બ્રાહ્મણો દ્વારા વેદગાન, પાલખીયાત્રા સહિત વિશેષ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.
ગુજરાતમાં જ આવેલા અન્ય એક જ્યોર્તિલિંગ નાગેશ્વરમાં પણ સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા. અમદાવાદમાં સારંગપુર દરવાજા બહાર આવેલા પ્રાચિન શિવાલય કર્ણમુક્તેશ્વર મહાદેવ ખાતે દિવસ દરમિયાન વૈદિક પૂજાઓ, અભિષેકાત્મક લઘુરૃદ્ર, રૃદ્રી, બિલીપત્ર, સંકલ્પ, પૂજાઓ, મહામૃત્યુંજય મંત્રથી આહુતિના ધાર્મિક કાર્યક્રમોનું આયોજન થયું હતું. આ ઉપરાંત સપ્તર્ષી મહાદેવ, ચકુડિયા મહાદેવ, બિલેશ્વર, સોમેશ્વર સહિતના મંદિરોમાં પણ શિવરાત્રિ નિમિત્તે વિશેષ પૂજન-અર્ચન સહિતના આયોજન કરવામાં આવ્યા હતા.
શિવરાત્રિ પર્વમાં શિવભક્તો ઉપવાસ-વ્રત રાખી આ દિવસે શક્કરીયા-બટાકા આરોગતો હોય છે. શિવજીને અતિપ્રિય એવી ભાંગના પ્રસાદનું પણ અનેરૃં મહત્વ હોઈ વિવિધ શિવમંદિરો ખાતે ભાંગનો પ્રસાદ આપવામાં આવ્યો હતો.