કોરોનાના કેસ અને મોતમાં સતત વધારાને પગલે મહારાષ્ટ્ર સરકારે 1 જૂન સુધી રાજ્યમાં લોકડાઉન લંબાવવાનો ગુરુવારે નિર્ણય કર્યો હતો. સરકારે કોરોના ગાઈડલાઈન્સ પણ જાહેર કરી છે, જેમાં મહત્વના દિશાનિર્દેશ કરવામાં આવ્યા છે. જૂના નિયમોની સાથે કેટલાક નવા નિયમો પણ જોડવામાં આવ્યા છે જેથી કોરોના વાયરસની ચેઈનને તોડી શકાય. સરકારી આંકડા પ્રમાણે મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના બુધવારે વધુ 46,781 કેસ પોઝિટિવ આવ્યા છે અને 816 દર્દીઓએ જીવ ગુમાવ્યો છે. હાલ રાજ્યમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 5,46,129 છે.
મહારાષ્ટ્રમાં આવનારા તમામ લોકોએ RT-PCR નેગેટિવનો રિપોર્ટ લઈને આવવું જરુરી બની રહેશે. જે રિપોર્ટ મહારાષ્ટ્રમાં એન્ટ્રી કર્યાના 48 કલાક પહેલાનો જ હોવો જોઈએ. નવા નિયમ પ્રમાણે દેશના કોઈ પણ ખુણામાંથી આવનારા લોકોએ પોતાની સાથે RT-PCR નેગેટિવનો રિપોર્ટ લઈને આવવું પડશે.
દૂધના કલેક્શન અને તેના ટ્રાન્સપોર્ટ પર કોઈ પ્રતિબંધ નહીં લગાવવામાં આવે. જોકે, દુકાનો પર વેચવા દેવાની મંજૂરી સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા નક્કી કરવામાં આવશે. એરપોર્ટ અને પોર્ટ પર કામ કરનારા કર્મચારીઓ કે જેઓને કોવિડ સંબંધિત દવાઓ અને ઉપકરણો માટેની મહત્વની ડ્યુટી સોંપવામાં આવી છે, તેમને લોકલ ટ્રેન, મોનો રેલમાં મુસાફરી કરવાની છૂટ આપવામાં આવી છે.